- કોલેજ સંસ્થાનોમાં તૈયારીનો ધમધમાટ
- વિવિધ 34 સ્પર્ધામાં 44 કોલેજના 700 થી વધુ કલાકારો કલાના કામણ પાથરશે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા અને તક્ષશીલા ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના યજમાનપદે આગામી તારીખ ૧૯થી સતત ૩ દિવસ માટે અમૃત રંગ-૨૦૨૨ યુવા ઉર્જા મહોત્સવ શીર્ષક તળે સ્પર્ધાત્મક યુવક મહોત્સવ યોજાશે. યુનિવર્સિટીના કેમ્પસ સ્થિત અલગ અલગ ૫ વિભાગની ૩૪ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં યુનિ. સંલગ્ન-સંચાલિત ૪૪ થી વધુ કોલેજ-ભવનોના અંદાજે ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. જ્યારે યુવક મહોત્સવના આકર્ષણ સમી કલાયાત્રા ઉદ્દઘાટન સમારોહની પૂર્વ સંધ્યાએ એટલે કે તા.૧૮ના રોજ સાંજના ૪.૩૦ કલાકે કાળીયાબીડ પાણીની ટાંકીથી નીકળશે. જેમાં ૩૦૦થી વધુ સ્પર્ધકો અને વિદ્યાર્થીઓ હાજર રહેશે.
સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો આપતા કુલસચિવે જણાવ્યું કે યુનિવર્સિટીના આંગણે યોજાયેલા આ મન પાંચમના મેળા સમાન ૩૦મા આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવનો આગામી તા.૧૯ સપ્ટેમ્બરને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે યુનિવર્સિટીના એમ્ફી થીયેટર ખાતે યોજાશે. આ તકે રાજ્યના કેબીનેટ શિક્ષણ મંત્રી રંગારંગ યુવક મહોત્સવનું ઉદ્દઘાટન કરી તેને વિધિવત ખુલ્લો મુકાશે. જ્યારે આ ઉદ્દઘાટન સમારોહ વેળાએ મુખ્ય અતિથી તરીકે અભિષેક જૈન (પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નીર્દેશક, વિઠ્ઠલ તીડી, રોંગ સાઇડ રજુ, બે યાર) તથા ડો.અર્જુનસિંહ રાણા (કુલપતિ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી) ખાસ હાજરી આપશે. યુવરાજ જયવિરસિંહજી સહિત રાજકીય આગેવાનો વિશેષ હાજરી આપશે.
જ્યારે યુવક મહોત્સવની રૂપરેખા શારિરીક શિક્ષણ નિયામક દ્વારા આપવામાં આવેલ. જ્યારે યજમાન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી દ્વારા યુવક મહોત્સવની વિવિધ મંચોને સંદર્ભે મહત્તા અને યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવા આયોજન હાથ ધર્યું હોવાનું જણાવ્યું હતું. નામાભિધાનમાં મહેન્દ્રભાઇ મેઘાણી મુખ્ય મંચ (એમ્ફી થીયેટર), વિનોદભાઇ અમલાણી નાટય મંચ (અટલ ઓડીટોરીયમ), રાજેશ વૈષ્ણવ સુરમંચ (જુનો કોર્ટ હોલ), કે.ટી. ગોહિલ-કલામંચ (બાહ્ય અભ્યાસક્રમ), હરિન્દ્ર દવે સાહિત્ય મંચ (ંઅંગ્રેજી ભવન), મુરલીબેન મેઘાણી નુત્ય મંચ (એમ્ફી થિયેટર)નો સમાવેશ કરાયો હોવાનું જણાવ્યું હતું.