અમેરિકા બાદ સોવરિન ફંડ્સ માટે ભારત બીજા નંબરનું સૌથી ફેવરિટ બજાર


- સોવરિન ફંડ્સની એસેટ અન્ડર મેનેજમેન્ટ હાલમાં લગભગ ૩૩ લાખ કરોડ ડોલર આસપાસ

અમદાવાદ : ૨૦૦૮ની મહામંદી હોય કે ૨૧મી સદીના બીજા દશકના મધ્યમાં સ્લોડાઉન કે પછી કોરોના મહામારી બાદ આવેલ આ મંદીના વમળમાં ઓછું સપડાશે અને ઝડપથી બહાર નીકળી જશે તેવા આશાવાદ સાથે વૈશ્વિક ફલક પર મજબૂત આર્થિક સત્તા ધરાવતો દેશ ભારત મનાઈ રહ્યો છે. આ વાતને પુરવાર કરતો વધુ એક રિપોર્ટ બહાર આવ્યો છે જેમાં જણાવાયું છે કે સોવરિન ફંડ માટે અમેરિકા બાદ ભારત બીજું શ્રેષ્ઠપસંદગીનું બજાર રહ્યું છે.

એસેટ મેનેજર ઇન્વેસ્કો દ્વારા સોમવારે પ્રસિદ્ધ કરાયેલા અહેવાલ મુજબ ૨૦૨૨માં સોવરિન વેલ્થ ફંડ્સ અને પબ્લિક પેન્શન ફંડ્સ માટે યુએસ પછી ભારત બીજું સૌથી વધુ પસંદગીનું રોકાણ સ્થળ રહ્યું છે.

સોવરિન ફંડ્સની એસેટ અન્ડર મેનેજમેન્ટ હાલમાં લગભગ ૩૩ લાખ કરોડ ડોલર આસપાસ છે. ખાનગી બેંકોમાં આ સોવરિન ફંડ્સ દ્વારા કરવામાં આવેલા રોકાણમાં તીવ્ર વધારો થયો છે પરંતુ વ્યાજદરમાં વારા સાથે આવક અને નફો ઘટવાની આશંકાએ આ રોકાણ ધીમુ પડી શકે છે.

છેલ્લા ૧૦ વર્ષમાં સોવરિન રોકાણકારોએ મજબૂત રોકાણ કર્યું છે. વૈશ્વિક નાણાકીય કટોકટી પછી બજારમાં તેજીના વાતાવરણનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.

છેલ્લા ૧૦ વર્ષમાં સોવરિન રોકાણકારોનું સરેરાશ વાર્ષિક વળતર ૬.૫ ટકા રહ્યું છે. તેમાંથી પણ જો છેલ્લા ૧૦ વર્ષમાં માત્ર સોવરિન વેલ્થ ફંડ્સનું સરેરાશ વાર્ષિક વળતર જોઈએ તો આંકડો ૧૦ ટકાને પાર નીકળી ગયો છે.

જોકે ઉંચા ફુગાવાના દર અને કડક નાણાકીય નીતિઓને કારણે લાંબા ગાળાના અંદાજિત વળતર પર ૨૦૨૨માં દબાણ આવી શકે છે. આવી સ્થિતિમાં ૨૦૨૨ સોવરિન ઈન્વેસ્ટર્સની ભારત જેવા બજાર પરની નીતિ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

સોવરિન ઈન્વેસ્ટર્સના વલણમાં આ ફેરફારથી ઉભરતાં બજારોને ફાયદો થશે. વિકાસશીલ દેશોમાં પણ ભારતે ચીનને પછાડીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. સોવરિન ઈન્વેસ્ટર્સોની પસંદગીની યાદીમાં ભારત ૨૦૧૪માં નવમા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે ચીન હાલ છઠ્ઠા નંબર પર છે.

આ રિપોર્ટ અનુસાર યુએસ માર્કેટ સોવરિન રોકાણકારો માટે પ્રથમ પસંદગી રહ્યું છે પરંતુ કેટલાક સોવરિન રોકાણકારો હવે તેમના પોર્ટફોલિયોનું રીબેલેન્સિંગ કરવા માંગે છે.



Source link

Leave a Comment