- પ્રાદેશિક મુદ્દાઓ પર વિસ્તૃત વાટાઘાટો થશે : મોદી
- પુતિન સાથેની બેઠકમાં શાહબાઝે કહ્યું : કોઈ મને મદદ કરો : સમિટનો પ્રારંભ પાક. પીએમની ફજેતીથી થયો!
નવી દિલ્હી : ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક યોજાશે. તે પહેલાં રશિયન પ્રમુખ પુતિન અને પાક. પીએમ શાહબાઝ શરીફ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. એ બેઠકમાં શાહબાઝની ફજેતી થઈ હતી.
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ રહેલી એસસીઓ સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ગયા છે. એ બેઠકની સમાંતરે સભ્ય દેશોની દ્વિપક્ષીય બેઠકો પણ ચાલી રહી છે. એવી જ બેઠક પાકિસ્તાન-રશિયા વચ્ચે થઈ હતી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં શાહબાઝની ફજેતી થઈ હતી. શાહબાઝ શરીફ કાનમાં ટ્રાન્સલેટર લગાવી શકતા ન હતા. પુતિને ટ્રાન્સલેટર લગાવી લીધું અને કેટલીય વાર સુધી રાહ જોઈ છતાં શાહબાઝથી કાનમાં ટ્રાન્સલેટર ડિવાઈઝ લાગતું ન હતું. આખરે એણે કહ્યું: કોઈ મને મદદ કરો. એક સહાયકે આવીને કાનમાં ડિવાઈસ લગાવી દીધું છતાં થોડીવારમાં એ ઈયરફોન ડિવાઈસ કાનમાંથી નીકળીને નીચે પડી ગયું હતું. એ વખતે શાહબાઝ માટે ઓકવર્ડ મોમેન્ટ સર્જાઈ હતી અને હાંસીનું કારણ બન્યા હતા.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે દિલ્હીથી ઉઝબેકિસ્તાનના સમરકંદ જવા રવાના થતાં પહેલાં કહ્યું હતું કે સમિટ દરમિયાન એસસીઓના સભ્ય દેશોના વડાઓ સાથે વાતચીત કરવામાં આવશે અને એમાં પ્રાદેશિક મુદ્દાઓની ચર્ચા કરવાનો મુખ્ય હેતુ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને ઉમેર્યું હતું કે વિશ્વની વર્તમાન સમસ્યાઓ બાબતે સમિટમાં ચર્ચા કરવામાં આવશે.