ક્રિપ્ટો માર્કેટ સતત દબાણ હેઠળ: બિટકોઈને 16000 ડોલરની સપાટી પણ ગુમાવી


- તૂટી પડેલા એફટીએકસને કારણે રોકાણકારોની બજારમાંથી પીછેહઠ

મુંબઈ : વૈશ્વિક ક્રિપ્ટોકરન્સીઝ માર્કેટ મંગળવારે પણ દબાણ હેઠળ રહી હતી અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને ૧૬૦૦૦ ડોલરની સપાટી ગુમાવી હતી અને બે વર્ષની નીચી સપાટીએ જોવા મળ્યો હતો. મોડી સાંજે ભાવ ૧૫૭૪૫ ડોલર બોલાતો હતો. એથરમ ૧૦૮૫ કવોટ કરાતો હતો. તૂટી પડેલા એકસચેન્જ એફટીએકસ પાસે ચૂકવવાની થતી રકમ કરતા હાલમાં અડધાથી પણ ઓછી રકમ હાથમાં હોવાનું પ્રાપ્ત અહેવાલમાં જોવા મળે છે.

એફટીએકસના ધબડકાને પરિણામે ક્રિપ્ટોના રોકાણકારોના વિશ્વાસને ડગમગાવી નાખ્યો છે. રોકાણકારોની ગેરહાજરીને પગલે ક્રિપ્ટોસની એકંદર માર્કેટ કેપ પણ સતત ઘટી રહી છે. મંગળવારે માર્કેટ કેપ ઘટી ૭૯૦ અબજ ડોલર રહી હતી.

અમેરિકાની ફેડરલ રિઝર્વ તથા બેન્ક ઓફ ઈન્ગલેન્ડ દ્વારા વ્યાજ દરમાં ૭૫ બેઝિસ પોઈન્ટના વધારા છતાં નવેમ્બરના પ્રારંભમાં ક્રિપ્ટોકરન્સીઝની કુલ માર્કેટ કેપ એક ટ્રિલિયન ડોલરની ઉપર જળવાઈ રહી હતી.

માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોચની ક્રિપ્ટોસ બિટકોઈનના ભાવ પણ વર્તમાન મહિનાના પ્રારંભમાં ૨૦,૦૦૦ ડોલર તથા એથરમના ૧૫૦૦ ડોલરની ઉપર જળવાઈ રહ્યા હતા.

એફટીએકસ પ્રકરણે ક્રિપ્ટો બજારમાં ખાનાખરાબી કરી છે. રોકાણકારો નાણાં પાછા ખેંચી રહ્યા હોવાથી ક્રિપ્ટો માર્કેટ હાલમાં બેકફૂટ પર જણાય છે.

ફડચામાં ગયેલા એફટીએકસે તેના મોટા ધિરાણદારોને ૩.૧૦ અબજ ડોલર ચૂકવવાના બાકી હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.

એફટીએકસ અને તેની સંલગ્ન કંપનીઓ પાસે હાલમાં સંયુકત રીતે ૧.૨૪ અબજ ડોલરની રોકડ હાથમાં હોવાનું એફટીએકસ દ્વારા કરાયેલા બેન્કરપ્સી ફાઈલિંગ પરથી જણાયું છે.



Source link

Leave a Comment