ગુજરાતમાં દરેક વિભાગમાં પૈસા આપો તો જ કામ થાય છે : કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી


અમદાવાદ,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર

ગુજરાતમાં ભ્રષ્ટાચારનું નામ એ વ્યવહાર છે અને દરેક જગ્યાએ પૈસા આપ્યા વિના કોઇ કામ થતું નથી. ગુજરાતની દર્દનાક મોરબી કરૂણાંતિકાને લઇ શાસક સરકારમાં કોઇએ રાજીનામું પણ ના આપ્યુ કે નૈતિકતાના ધોરણે જવાબદારી ના સ્વીકારી તે આઘાતજનક વાત છે એ મતલબના ગંભીર આક્ષેપો આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને લોકસભા સાંસદ મનીષ તિવારીએ કર્યા હતા.

ભાજપની નિષ્ફળતા અને કોંગ્રેસના કામો સહિત રાહુલ ગાંધીની પદયાત્રાનું લાઇવ પ્રસારણ કરાશે

પાલડી સ્થિત કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે મનીષ તિવારીના હસ્તે એલઇડી અનાવરણના કાર્યક્રમ યોજાયો હતો. આ એલઇડી પર કોંગ્રેસ દ્વારા ભાજપની નિષ્ફળતા અને કોંગ્રેસના કામો સહિત રાહુલ ગાંધીની પદયાત્રાનું લાઇવ પ્રસારણ કરાશે. આ પ્રસંગે મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જીએસટીના અવિચારી અમલથી ૨.૩૦ લાખ લઘુ ઉદ્યોગ બંધ થયા છે. એમએસએમઈ સેક્ટરમાં ૧૦ લાખ કરોડની લોન બાકી છે. નાના ઉદ્યોગો નુકસાન કરી રહ્યાં છે. દેશની જનતા પાસેથી પેટ્રોલ-ડીઝલના ટેક્ષના નામે ૨૭.૨ લાખ કરોડ ઉઘરાવી લેવામાં આવ્યાં છે. ગુજરાતમાં પણ આજે ભાજપના અવિચારી નિર્ણયોની અસર દેખાઈ રહી છે. આ અહંકારી સરકાર એમ માને છે કે અમે કઈપણ કરીશું તો અમારો કોઈ વાળ વાંકો નહી કરી શકે. ગુજરાતની જનતાએ આ અહંકાર તોડવાની જરૂર છે. ૨૦૧૭ થી લઈને ત્રણ મુખ્યમંત્રી બદલવામાં આવ્યાં અને મંત્રીમંડળ પણ બદલવામાં આવ્યું. કોરોનાની અંદર સૌથી વધારે જો કોઈ રાજ્યએ સહન કરવામાં આવ્યું હોય તો તે ગુજરાત રાજ્ય છે. ગુજરાતનું દેવુ ૨,૯૮,૯૧૦ કરોડનું છે. ગુજરાતની આવક (જી.એસ.ડી.પી.) ના ૧૮.૪ ટકા તો માત્ર ઉપરોક્ત દેવાના વ્યાજ પેટે હપ્તામાં વપરાઈ જાય છે. ૨૦ થી ૨૪ વર્ષના યુવાનોનો બેરોજગારી દર ૧૨.૫૦ ટકા છે. આ આંકડો આટલો બધો છે પરંતુ ગુજરાતના યુવાનો શ્રમ અને રોજગાર વિભાગમાં પોતાનું નામ નોંધાવે તો આ આંકડો વધી શકે તેમ છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારનું નામ એ વ્યવહાર છે. દરેક જગ્યાએ વ્યવહાર કર્યા વિના કોઈ કામ થતું નથી.

તિવારીએ વધુમાં ઉમેર્યું કે, એક તરફ ગુજરાતની છ કરોડની જનતા મંદી, મોંઘવારી અને બેરોજગારીમાં પીસાઈ રહી છે ત્યારે ભાજપ સરકાર મુદ્દાઓથી ધ્યાન ભટકાવી રહી છે. મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની બાબતે ભાજપ સરકારે પીએચડી કરી છે. ગુજરાતને આ વખતે પરિવર્તનની જરૂર છે અને જનતા પણ પરિવર્તન ઈચ્છે છે. સાચા અર્થમાં ગરીબો માટેની, મધ્યમવર્ગ માટેની, એસ.સી, એસ.ટી, શોષિતો, વંચિતો, યુવાનો માટે બેરોજગારીના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન માટે કોંગ્રેસ આગ્રહ કરે છે કે, કોંગ્રેસને ફરી એકવાર ગુજરાતની જનતા તક આપે. કોંગ્રેસ પ્રજાની તમામ સમસ્યાઓ - પ્રશ્નોના સમાધાન માટે કટિબધ્ધ છે.



Source link

Leave a Comment