અમદાવાદ,તા.16 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
ભારતમાં ચાઈનીઝ લોન એપનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો હતો. છેતરપિંડીના આ કૌભાંડને ડામવા માટે સેન્ટ્રલ એજન્સીઓ ટોચની નાણાંકીય સંસ્થાઓ સાથે મળીને સપાટો બોલાવી રહી છે. બે મહિનામાં બે વખત દરોડાની કાર્યવાહી બાદ ભારતની અગ્રણી પેમેન્ટ ગેટવેના ફંડ ઈડીએ ફ્રીજ કરી દીધા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે જણાવ્યું હતું કે પેમેન્ટ ગેટવે Easebuzz, Razorpay, Cashfree અને Paytmમાં રહેલા રૂ. 46.67 કરોડના ફંડને જપ્ત કર્યું છે. આ સપ્તાહે જ ઈડીએ ચીનમાંથી સંચાલિત થતી લોન એપ્લિકેશન અને ઈન્વેસ્ટમેન્ટ ટોકન્સ પર દરોડા પાડ્યા હતા. ઈડીએ મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ આ ફંડ ફ્રીજ કર્યું છે.
14 સપ્ટેમ્બરના રોજ દિલ્હી, મુંબઈ, ગાઝિયાબાદ, લખનૌ અને ગયામાં કથિત કૌભાંડના સંદર્ભમાં અનેક સ્થળોએ કેન્દ્રિય તપાસ એજન્સીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈડીએ આજે એક નિવેદનમાં કહ્યું કે એપ આધારિત ટોકન HPZ અને તેના સંલગ્ન એકમો સબંધિત કેસમાં બેંકો અને પેમેન્ટ ગેટવેના દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, પુણે, ચેન્નાઈ, હૈદરાબાદ, જયપુર, જોધપુર અને બેંગલુરુ સહિતના કુલ 16 ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા.
શું છે કેસ ?
ઓક્ટોબર, 2021માં નાગાલેન્ડના કોહિમા પોલીસના સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગ કેસ સંદર્ભે થયેલ એફઆઈઆરથી આ સમગ્ર કેસ ઉદ્ભવ્યો છે. તપાસ એજન્સીના સર્ચ દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યા છે.
“પેમેન્ટ એગ્રીગેટર્સ સાથે સંકળાયેલી સંસ્થાઓના વર્ચ્યુઅલ એકાઉન્ટ્સમાં જંગી બેલેન્સ જાળવવામાં આવ્યું હતુ જેમ કે પુણેમાં રૂ. 33.36 કરોડ ઇઝબઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે, રૂ. 8.21 કરોડ રેઝરપે સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ, બેંગ્લોર સાથે અને રૂ. 1.28 કરોડ કેશફ્રી પેમેન્ટ્સ ઇન્ડિયામાંથી મળી આવ્યા હતા.
આ સિવાય પેટીએમ પેમેન્ટ સર્વિસ લિમિટેડ પાસેથી રૂ. 1.11 કરોડ મળી આવ્યા હતા. ઇડીએ જણાવ્યું કે વિવિધ બેંક ખાતાઓ અને વર્ચ્યુઅલ એકાઉન્ટમાં રૂ. 46.67 કરોડની રકમ શોધી કાઢવામાં આવી હતી અને ફ્રીઝ કરવામાં આવી છે તેમ ફેડરલ એજન્સીએ જણાવ્યું હતુ.