ચૂંટણી કમિશનર તરીકે અરૂણ ગોયલની નિમણૂંક પર ઉઠ્યા સવાલ, સુપ્રીમે માંગ્યો કેન્દ્ર સરકાર પાસે જવાબ


નવી દિલ્હી: અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂંક (Arun Goel As an Election Commissioner) પર સવાલો ઉભા થયા છે. આ સવાલો સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર (Central Government) પાસેથી અરુણ ગોયલની નિયુક્તિ સંબંધિત ફાઇલ માંગી છે. સુપ્રીમ કોર્ટમાં 5 જજોની બેંચે કેન્દ્ર સરકારને જણાવ્યું કે તે માત્ર એટલું ચકાસવા માંગે છે કે આ નિયુક્તિમાં કોઇ ગરબડ તો નથી કરવામાં આવીને.

સુપ્રીમ કોર્ટ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂંક સાથે સંબંધિત અરજીઓ પર સુનાવણી કરી રહી છે. તેની સુનાવણી જસ્ટિસ કે એમ જોસેફ, અજય રસ્તોગી, અનુરાધા બોઝ, ઋષિકેશ રોય અને સીટી રવિકુમારની બેંચ કરી રહી છે.

“અમે ફક્ત એટલું જ જાણવા માંગીએ છીએ કે નિમણૂંક માટે કઈ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. જો આ નિમણૂંક કાયદાકીય રીતે સાચી હોય, તો ગભરાવાની શું જરૂર છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સારું હોત જો સુનાવણી દરમિયાન આ નિયુક્તિ કરવામાં આવી ન હોત.

આ પણ વાંચો: સૌથી મોટો સવાલ: ફક્ત 24 કલાકમાં કેવી રીતે મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂંક કરી દીધી, સુપ્રીમ કોર્ટે ફાઈલ વાંચી

અરુણ ગોયલની નિમણૂંક પર કેમ છે વિવાદ? સુપ્રીમ કોર્ટમાં કયા કેસની સુનાવણી થઈ રહી છે? કેન્દ્ર સરકાર શું કહે છે? ચાલો જાણીએ.

શા માટે કરવામાં આવી રહી છે સુનાવણી?

- સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂંક માટે ચૂંટણી પંચ પાસે કોલેજિયમ જેવી વ્યવસ્થા હોવી જોઇએ તેવી માંગણી કરી હતી.

- અરજદાર અનૂપ બરનવાલે આ અરજી દાખલ કરીને ચૂંટણી કમિશનર અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંકમાં કોલેજિયમ જેવી વ્યવસ્થાની માંગણી કરી હતી. 23 ઓક્ટોબર, 2018ના રોજ આ મામલાને પાંચ જજોની બંધારણીય બેન્ચને મોકલવામાં આવ્યો હતો.

- આ કેસમાં જસ્ટિસ કે એમ જોસેફની અધ્યક્ષતાવાળી બેંચ સુનાવણી કરી રહી છે. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂંકમાં મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ થવો જોઈએ.

શા માટે થયો વિવાદ?

- ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરનો સમાવેશ થાય છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે. અનુપચંદ્ર પાંડે ચૂંટણી કમિશનર છે. બીજા ચૂંટણી કમિશનર અરુણ ગોયલ છે. સુશીલચંદ્ર નિવૃત્ત થતાં આ વર્ષે મે મહિનાથી ચૂંટણી કમિશનરની એક જગ્યા ખાલી હતી.

- અરુણ ગોયલની આ નિમણૂંક પર વિવાદ એટલા માટે ચાલી રહ્યો છે, કારણ કે તેમણે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયાના એક દિવસ પહેલાં જ વીઆરએસ એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. ગોયલ અગાઉ ભારે ઉદ્યોગ મંત્રાલયમાં સચિવ હતા. તેઓ આ વર્ષે 31 ડિસેમ્બરે નિવૃત્ત થવાના હતા.

- મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરનું પદ સરકારી સેવાના નિવૃત્ત અધિકારી જ રાખે છે. તેમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાલે છે.

આ પણ વાંચો: આપણે એવા CECની જરૂર છે જે PM સામે પણ પગલાં લઈ શકે: નિમણૂક પ્રક્રિયા પર SC

- અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે અરુણ ગોયલની નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યા હતા. ભૂષણે કહ્યું કે, કોર્ટમાં સુનાવણી શરૂ થયા બાદ સરકારે ઉતાવળમાં ચૂંટણી કમિશનરની નિમણૂંક કરી હતી.

- પ્રશાંત ભૂષણે કહ્યું કે, જે વ્યક્તિની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે, તે ગુરુવાર સુધી કેન્દ્ર સરકારમાં સચિવ કક્ષાના અધિકારી હતા. અચાનક તેને વી.આર.એસ. આપવામાં આવ્યું અને એક જ દિવસમાં તેમને ચૂંટણી કમિશનર નિમણૂંક કરવામાં આવી છે.

- ભૂષણે સવાલ કર્યો હતો કે કેન્દ્ર સરકાર એક જ દિવસમાં નિમણૂંકો કરે છે અને તેના માટે કઈ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી તે કોઈને ખબર નથી. આના પર જસ્ટિસ જોસેફે એમ પણ કહ્યું હતું કે વ્યક્તિને વીઆરએસ લેવામાં ત્રણ મહિનાનો સમય લાગે છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

- સુપ્રીમ કોર્ટે અરુણ ગોયલની નિયુક્તિ સંબંધિત ફાઇલ કેન્દ્ર સરકાર પાસે માંગી છે. કોર્ટે કહ્યું કે તે ફક્ત તે જોવા માંગે છે કે નિમણૂંક માટેની કઇ પ્રક્રિયા અપનાવી છે.

- કોર્ટે કહ્યું કે અમે માત્ર એ જોવા માંગીએ છીએ કે, મિકેનિઝમ શું છે. તમે દાવો કરી રહ્યા છો કે બધું બરાબર છે. પરંતુ આ નિમણૂંક સુનાવણીની વચ્ચે જ કરવામાં આવી હતી, તેથી તેને પરસ્પર લિંક કરી શકાય છે.

- જસ્ટિસ જોસેફે કહ્યું કે, અમે માત્ર એ જોવા માંગીએ છીએ કે આ નિમણૂંક નિયમ હેઠળ કરવામાં આવી છે કે નહીં. પરંતુ જો તમે ફાઇલ જાહેર કરવા માંગતા નથી, તો અમને જણાવો.

- કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે કોઈપણ શાસક પક્ષ પોતાને સત્તામાં જાળવી રાખવા માંગે છે અને હાલની સિસ્ટમ હેઠળ ‘Yes Man’ ની નિમણૂંક કરી શકે છે.

આ પણ વાંચો: આ અમારું કામ નથી! વસ્તી વધારો કાબુમાં લેવા અંગેની નીતિ બનાવવા માંગ અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું, એ સરકારનું કામ

- બેંચે ગુરુવારે કહ્યું હતું કે, અરુણ ગોયલની નિમણૂંકની પ્રક્રિયાને “વીજળીની ગતિએ” મંજૂરી આપવામાં આવી છે. એક દિવસમાં તેને વીઆરએસ આપવામાં આવ્યું. કાયદા મંત્રાલયે તે જ દિવસે તેમની ફાઇલને મંજૂરી આપી દીધી હતી. વડાપ્રધાન સમક્ષ ચાર નામોની પેનલ મુકવામાં આવી હતી અને 24 કલાકની અંદર જ રાષ્ટ્રપતિએ તેને મંજૂરી પણ આપી દીધી હતી.

- કોર્ટે એમ પણ કહ્યું કે અમે અરુણ ગોયલની વિશ્વસનીયતા પર સવાલ નથી ઉઠાવી રહ્યા, પરંતુ અમે આ પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યા છીએ.

શું કહ્યું કેન્દ્ર સરકારે?

- કેન્દ્ર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ વેંકટરમણીએ કહ્યું કે, 1991ના કાયદા હેઠળ બધું જ થયું છે અને હાલમાં એવું કોઈ ટ્રિગર પોઇન્ટ નથી કે જ્યાં કોર્ટે દખલ કરવાની જરૂર હોય.

- એ.જી.વેંકટરામાણીએ કહ્યું કે, કોર્ટે એટલી દૂર જવાની જરૂર નથી અને મોટા મુદ્દાની સુનાવણી વચ્ચે અલગથી કેસની ફાઈલ જોવી પણ યોગ્ય નથી.

- તેણે કહ્યું કે, જો કોર્ટને ફાઇલો બતાવવાની જરૂર પડશે, તો અમે તેને બતાવીશું. જો કંઈ ખોટું થયું હોય, તો એટર્ની જનરલ તરીકે હું તેને કોર્ટ સમક્ષ મૂકીશ. પરંતુ આ બાબત પર ધ્યાન ન આપવું જોઈએ, કારણ કે કોઈએ પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, આ પદ મે મહિનાથી ખાલી હતું, જે હવે ભરવામાં આવ્યું છે.

કોણ છે અરૂણ ગોયલ?

- અરુણ ગોયલ પંજાબ કેડરના 1985ની બેચના આઈએએસ અધિકારી છે. 1993માં ગોયલ ભટિંડાના કલેક્ટર બન્યા હતા. તેઓ 1995થી 2000 દરમિયાન લુધિયાણાના કલેક્ટર હતા. વર્ષ 2010 સુધી ગોયલ પંજાબ સરકારમાં અલગ અલગ હોદ્દા પર રહ્યા હતા.

- 2011માં તેમને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2018માં સંસ્કૃતિ મંત્રાલય અને 2020માં ભારે ઉદ્યોગ મંત્રાલયમાં તેઓ સચિવ બન્યા.

- તેઓ આ વર્ષે 31 ડિસેમ્બરે નિવૃત્ત થવાના હતા, પરંતુ એક મહિના પહેલા તેમને વીઆરએસ આપવામાં આવ્યું હતું અને તેમને ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. તેઓ 18 નવેમ્બર સુધી ભારે ઉદ્યોગ મંત્રાલયમાં સચિવ હતા અને 19 નવેમ્બરના રોજ તેમને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 21 નવેમ્બરે કાર્યભાર પણ સંભાળ્યો હતો.

- વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે. તેમના બાદ અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશ્નર બની શકે છે.

Published by:Samrat Bauddh

First published:

Tags: Chief election commissioner, Election commission of india, Supreme Court



Source link

Leave a Comment