ગાંધીનગર હિંમતનગર-ચિલોડા હાઇવે ઉપર
ચેકપોસ્ટ ઉપરથી અમદાવાદના બે શખ્સો રાજસ્થાનથી દારૃ લાવતા
ઝડપાયા ઃ ૧.૮ લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી ટાણે હવે જિલ્લામાં દારૃની હેરાફેરી વધી
રહી છે ત્યારે હિંમતનગર-ચિલોડા હાઇવેનો બુટલેગરો દારૃની હેરફેર માટે ઉપયોગ કરી
રહ્યા છે. પોલીસ દ્વારા ઉભી કરવામાં આવેલી ચેકપોસ્ટ ઉપર અમદાવાદ મેઘાણીનગરના બે
શખ્સો રિક્ષામાં રાજસ્થાનથી વિદેશી દારૃનો જથ્થો લાવતા ઝડપી લેવામાં આવ્યા હતા અને
૧.૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
હતી.
રાજ્યમાં દારૃબંધી હોવા છતા પરપ્રાંતમાંથી મોટાપ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યા છે ત્યારે ચૂંટણી ટાણે આ હેરાફેરી વધી
જતી હોય છે ચૂંટણી તંત્ર પણ રાજ્યમાં દારૃની હેરાફેરી અટકાવવા પોલીસની ખાસ
ચેકપોસ્ટ ઉભી કરવા તાકિદ કરી રહી છે ત્યારે ગાંધીનગર નજીક હિંમતનગર ચિલોડા હાઇવે
ઉપર આ પ્રકારની હેરાફેરી ખુબ જ વધી છે. પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી આવતા વાહનોનું
સતત ચેકીંગ કરવામાં આવતું હોય છે ત્યારે એક રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી
દારૃની ૨૪ બોટલ મળી આવી હતી જેના પગલે પોલીસે તેમાં સવાર અમદાવાદ મેઘાણીનગરના દિપક
રાજવીર દિવાકર અને ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદભાઇ પરમારને ઝડપી લીધા હતા જેની
પુછપરછ કરતા રાજસ્થાનથી દારૃનો જથ્થો લવાયો હોવાની કેફિયત રજુ કરી હતી. પોલીસે ૧.૮
લાખનો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.