- રાજ્યના ધોરીમાર્ગોને હરિયાળા બનાવવા માટેની સરકારની કામગીરી ખૂબ નબળી રહી
ગાંધીનગર, તા. 22 સપ્ટેમ્બર, 2022, ગુરૂવાર
ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રના અંતિમ દિવસે કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં રાજ્યમાં પ્રદૂષણના કારણે થતા મૃત્યુ મામલે મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. અહેવાલ પ્રમાણે વર્ષ 2019માં ભારતમાં હવાના પ્રદૂષણના કારણે 16.70 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત રિપોર્ટમાં કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન હવાની ગુણવત્તા સુધરી હોવાનો પણ ઉલ્લેખ કરાયેલો છે.
તે સિવાય ગુજરાતના ઉદ્યોગ-ધંધાઓ પર પણ પ્રદૂષણની અસર નોંધાઈ રહી છે. રિપોર્ટમાં રાજ્યમાં હવાની ગુણવત્તામાં પણ ખરાબી નોંધાઈ છે.
કેગનો આ રિપોર્ટ હવાના પ્રદૂષણ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની (GPCB) કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે. કેગના રિપોર્ટથી સાબિત થાય છે કે, વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવામાં જીપીસીબી નિષ્ફળ રહ્યું છે. સાથે જ રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, જીપીસીબી ઔદ્યોગિક એકમોમાં ધ્વનિ પ્રદૂષણની દેખરેખ નથી કરી રહ્યું.
વિધાનસભાના આજના સત્ર દરમિયાન ગુજરાત સરકાર હવા પદૂષણ મામલે કરેલી કામગ્રીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં રાજ્ય સરકારની બેદરકારી સામે આવી છે. રાજ્ય સરકાર હસ્તકનું GPCB બોર્ડ રૂઢા કસૂરવાર એકમો પાસેથી જે ભંડોળ મેળવે છે તેનો યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યું.
ઉપરાંત રાજ્યના ધોરીમાર્ગોને હરિયાળા બનાવવા માટે સરકારની કામગીરી પણ ખૂબ નબળી રહી છે. સમય સાથે જીપીસીબીની કામગીરી વધી છે પરંતુ સામે તેના માનવ સંસાધનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃ 2019માં પ્રદૂષણના કારણે વિશ્વમાં સૌથી વધુ અકાળે મોત ભારતમાં નીપજ્યા