- પડતર પ્રશ્ન હલ નહી થાય તો 27 મીથી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી
- જુની પેન્શન યોજના લાગુ કરવી, બઢતી, બદલી સહિતના પ્રશ્ને વારંવાર રજુઆત છતા યોગ્ય નિર્ણય નહી આવતા કર્મચારીઓમાં રોષ
ભાવનગર : મોટાભાગના સરકારી કર્મચારીઓ હાલ સરકારથી નારાજ છે અને માંગણીઓ પૂર્ણ નહી થતા ધરણા સહિતના વિરોધ કાર્યક્રમ આપી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં આજે સોમવારે મહેસુલી કર્મચારીઓ પણ પડતર પ્રશ્ને માસ સી.એલ. પર ઉતર્યા હતાં. પડતર પ્રશ્ને વારંવાર રજુઆત કરવામાં આવી છે છતા કોઈ યોગ્ય નિર્ણય નહી આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભાવનગર જિલ્લાના આશરે ૩૩પ સહિત ગુજરાતના આશરે ૧પ હજાર મહેસુલી કર્મચારી આજે સોમવારે પડતર પ્રશ્ને સી.એલ. પર ઉતર્યા છે. મહેસુલી કર્મચારીઓના બઢતી, બદલી, જુની પેન્શન યોજના લાગુ કરવી, ૭માં પગારપંચના તમામ ભથ્થાઓ એરિયર્સ સહિત ચુકવવા, ૩૦ જુને નિવૃત થતા કર્મચારીઓને નામદાર હાઈકોર્ટ-સુપ્રિમકોર્ટ દ્વારા એક ઈજાફો આપવા માટે જોગવાઈ થયેલ છે જે તાત્કાલિક ધોરણે પરિપત્રીત કરી પાશ્ચાત અસરથી લાગુ કરવુ સહિતની જુદી જુદી ૧૭ માંગણી કરવામાં આવી છે. આ બાબતે અગાઉ વારંવાર રજુઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય પગલા લેવામાં આવેલ નથી તેથી કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
પડતર પ્રશ્ને આજે મહેસુલી કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતર્યા હતા અને સુત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. મહેસુલી કર્મચારીઓ હડતાલ પર હોવાથી કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીઓમાં કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી તેથી અરજદારોની પરેશાની વધી હતી. પડતર પ્રશ્ન હલ નહી થાય તો આગામી તા. ર૭ સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળે આપી છે. મહેસુલી કર્મચારીઓના હિતમાં સરકારે તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી છે.
ભાવનગરમાં 80 જેટલા કોમ્પ્યુટર ઓપરેટર પણ હડતાલ પર
ભાવનગરની જિલ્લા કલેક્ટર કચેરીના આશરે ૮૦ જેટલા કોમ્પ્યુટર ઓપરેટર પણ પડતર પ્રશ્ને હડતાલ પર હોવાનુ સુત્રોએ જણાવેલ છે. પગાર સહિતના પ્રશ્ને ઓપરેટરો હડતાલ પર હોવાથી સરકારી કચેરીઓમાં કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. પડતર પ્રશ્ન તત્કાલ હલ કરવા કર્મચારીઓએ માંગણી ઉઠાવી છે.