- 11 દિવસ પૂર્વે સનેસ પાસેથી 33 ટન લોખંડના સળિયા ભરેલા 2 ટ્રક પકડાતા કૌભાંડ છતું થયું
- મહિલા કોલેજ અને કાળિયાબીડના 2 શખ્સને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા બાદ કૌભાંડનો રેલો ઠેઠ જીએસટી વિભાગ સુધી પહોંચ્યો
ભાવનગર : ભાલ તાબેના સનેસ ગામ પાસેથી ૧૧ દિવસ પૂર્વે વાહન ચેકીંગમાં રહેલી ક્રાઈમ બ્રાંચની ટીમે મહિલા કોલેજ અને કાળિયાબીડના બે શખ્સને ૩૩ ટન લોખંડના સળિયા ભરેલા બે ટ્રક સાથે ઝડપી લઈ જીએસટીના બોગસ બીલીંગના ગોરખ ધંધાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસના પાંજરે પૂરાયેલા બન્ને શખ્સે રિમાન્ડ દરમિયાન પોપટની જેમ એક પછી એક નામ ઓકવા માંડતા આ કૌભાંડમાં છ શખ્સ ઉપરાંત ભાવનગર અને વડોદરા જીએસટી વિભાગના અધિકારીની સંડોવણી પણ બહાર આવી હતી. જે બન્ને જીએસટી અધિકારીને ઝડપી લઈ એલસીબીએ પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે કોમ્બિંગ નાઈટ દરમિયાન ભાવનગર-અમદાવાદ હાઈવે પર નિરમાના પાટિયા પાસે સનેસ ગામ નજીકથી ૧૧ દિવસ પૂર્વે ૩૩ ટન લોખંડના સળિયા ભરેલા બે ટ્રકને રોકી ડ્રાઈવરો દ્વારા રજૂ કરવામાં આવેલા જીએસટી બીલ બોલસ હોવાની શંકાના આધારે જીએસટી વિભાગમાં ખાતરી કરવામાં આવતા બીલો બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે એલસીબીએ જીએસટીના બોગસ બીલીંગનો ધંધો કરતી ગેંગના મૃગેશ ઉર્ફે ભુરો હસમુખભાઈ અઢિયા (રહે, ૨૦૪, નવકાર રેસીડેન્સી, બીજો માળ, મહિલા કોલેજ પાસે) અને દેવાંશુ બીપીનભાઈ ગોહેલ (રહે, પ્લોટ નં.સી/૧૮૩૫, વૃંદાવન પાર્ક, પટેલ સોસાયટી, કાળિયાબીડ)ની ધરપકડ કરી ભાલ પોલીસમાં આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી), ૩૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ બન્ને શખ્સને તા.૧૧-૧૧ના રોજ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં એલસીબીએ પોલીસના પાવરનો પરચો દેખાડતા વધુ ચાર શખ્સ વિક્રમ ઉર્ફે પોપટ, મલય શાહ, ધુ્રવિત માંગુકિયા અને દીપક મકોડિયાની ધરપકડ કરી આગવીઢબે પૂછપરછ કરી હતી. જેમાં જીએસટીના બોગસ બીલીંગના કૌભાંડમાં ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગની મોબાઈલ સ્કવોડના ઓફિસર પ્રિતેશ દૂધાત અને વડોદરા જીએસટીના સુપ્રિટેન્ડન્ટ નીરજ મીણાના નામની ચોંકાવનારી સંડોવણી બહાર આવતા આ બન્ને અધિકારીઓને એલસીબીએ દબોચી લઈ પૂછતાછ કરતા બન્ને અધિકારીએ સરકારના તગડા પગાર ઉપરાંત બે નંબરની આવકની મલાઈ ખાવા સ્થળ તપાસ કર્યા વિના જ એ.સી. ઓફિસમાં બેસી જીએસટી નંબર આપ્યા હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે બન્ને માલખાઉ અધિકારીને આજે મંગળવારે સાંજે રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા વલ્લભીપુર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું એલસીબી પીએસઆઈ પી.બી. જેબલિયાએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, જીએસટીના બોગસ બીલીંગ કૌભાંડનો રેલો જીએસટીના બે અધિકારીઓ સુધી પહોંચ્યો છે. ત્યારે હજુ પણ અનેક કૌભાંડિયા અધિકારી-કર્મચારીની સંડોવણી બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.