જૂનો મકાન માલિક પરેશાન કરતો હોય યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો



- તું મને ગમે છે કહી પીછો કરી કામના સ્થળે પણ આવી વાત કરવા દબાણ કરતો હતો

- તું વાત નહીં કરે તો પરિવારને મારી નાંખવાની ધમકી આપતા યુવતીએ ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી

સુરત,તા.23 નવેમ્બર 2022,બુધવાર

સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીએ જૂનો મકાન માલિક પરેશાન કરી ધમકી આપતો હોય ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં ચોકબજાર વિસ્તારમાં રહેતા શ્રમજીવીની 23 વર્ષીય પુત્રી સીમા ( નામ બદલ્યું છે ) અડાજણ સ્થિત એક મોલમાં નોકરી કરે છે.છ વર્ષ અગાઉ તેઓ રૂપેશ સિંઘ રાજપૂત ( ઉ.વ.35, રહે.પ્લોટ નં.269, લક્ષ્મીનગર, વેડરોડ, સુરત ) ના ઘરમાં ભાડેથી રહેતા હતા.હજીરા ખાતે મેડીકલ શોપ ધરાવતા રૂપેશને ત્યાં સીમાનો ભાઈ બે વર્ષ અગાઉ કામ શીખવા જતો હતો ત્યારે કામ બાબતે ઝઘડો થતા રૂપેશે તેમની પાસે ઘર ખાલી કરાવતા પરિવાર બીજે રહેવા ચાલ્યો ગયો હતો.જોકે, ત્યાર બાદ રૂપેશ તેમને ફરી ત્યાં રહેવા આવી જવા કહેતો હતો અને પરિવાર ના પાડે તો ગાળાગાળી કરતો હતો.

દરમિયાન, રૂપેશે સીમાને ફોન કરી માતાપિતાને સમજાવવા કહ્યું હતું.પણ સાથે તેમ પણ કહ્યું હતું કે તું મને ગમે છે.બાદમાં તેણે પીછો કરવાનું શરૂ કર્યું હતું.તે સીમાના કામના સ્થળે આવી પરેશાન કરતો હતો.તું મારી સાથે વાત નહીં કરે તો હું તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતો હોય સીમાએ બે દિવસ અગાઉ ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.બનાવની જાણ થતા ચોકબજાર પોલીસે હોસ્પિટલના બિછાનેથી સીમાની ફરિયાદના આધારે રૂપેશ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.



Source link

Leave a Comment