જોગર્સ પાર્કના લોકાર્પણમાં શાસકો ઊંઘતા રહ્યા, આપે પાર્ક ખુલ્લો મુક્યો


- શાસ્ત્રોક્ત વિધિથી લોકાર્પણ કરી નાગરિકોના મોં મીઠા કરાવ્યા

- મ્યુનિ.ના અધિકારીઓ ચેરમેનને પણ નથી ગાંઠતા, નેતાઓના નાટકના કારણે પ્રજાના પૈસે ઉભી કરાયેલી સુવિધાઓથી જ પ્રજા વંચિત રહે છે

ભાવનગર : ભાજપના રાજમાં પ્રજાના પૈસાથી ઉભી કરાયેલી સુવિધાઓને નેતાઓના લોકાર્પણ-ઉદ્ઘાટનના નાટકના વાંકે ખુલ્લી મુકવા માટે ઘડિયાળનો કાંટો આગળ વધતો નથી. જેના કારણે ઘણી સુવિધાઓ તો ધૂળ ખાતી રહે છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ આવી સુવિધાઓ લોકોને અર્પણ થાય તે માટે અભિયાન હાથ ધરી શહેરના જોગર્સ પાર્કનું લોકાર્પણ કરી પાર્કને શહેરીજનો માટે ખુલ્લો મુકી દીધો છે.

શહેરના સહકાર હાટ પાસે રેલવેની જમીનમાં મહાપાલિકા તંત્ર દ્વારા જોગર્સ પાર્કનું નિર્માણ કરાયું છે. આ જોગર્સ પાર્ક ઘણાં સમયથી બનીને તૈયાર થઈ ગયો હોવા છતાં નેતાઓના ઉદ્ઘાટન માટે સમયના અભાવે પ્રજાના પૈસે ઉભી કરાયેલી સવલત જોગર્સ પાર્કનો લોકો ઉપયોગ કરી શકતા નથી. આ બાબતે ગત ૩૦મીએ મળેલી સામાન્ય સભામાં ચેરમેને ૧૫ દિવસમાં જોગર્સ પાર્કનું લોકાર્પણ કરવા ટકોર કરી હતી. પરંતુ મ્યુનિ.ના અધિકારીઓ પદાધિકારીઓને ગાંઠતા ન હોય તેમ ૧૭ દિવસ થવા છતાં પાર્કને ખુલ્લો મુકવામાં આવ્યો ન હોવાના કારણે આજે શુક્રવારે આમ આદમી પાર્ટીએ શાસકોને ઊંઘતા રાખી ભાવનગરના નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા મુકી શાસ્ત્રોક્ત વિધિ સાથે જોગર્સ પાર્કનું લોકાર્પણ કરી નાંખ્યું હતું. આપના કાર્યકરોએ નાગરિકોના મો મીંઠા પણ કરાવ્યા હતા. વધુમાં ભાવનગરના લોકોને નેતાના સમયના અભાવે સુવિધાથી વંચિત રાખવાની મેલીમૂરાદ હવે સહન કરાશે નહીં, પ્રજાના પૈસે નિર્માણ પામતી તમામ સુવિધા પર પહેલો હક્ક ભાવનગરની પ્રજાનો રહેશે. જો લોકાર્પણ કે ઉદ્ઘાટનમાં વિલંબ થશે તો આપ દ્વારા તેનું લોકાર્પણ કરી પ્રજા માટે ખુલ્લું મુકી દેવામાં આવશે તેમ આપના શહેર પ્રમુખે જણાવ્યું હતું.



Source link

Leave a Comment