ટ્વીટરને ઇલોન મસ્કે ધરાર ખરીદી લીધા પછી ઘણા લોકોના મતે ટ્વીટરનું ભાવિ
ધૂંધળું થઈ ગયું છે. ઇલોન મસ્કે ટ્વીટરનું નુકસાન અટકાવવા માટે તેમાંથી બહુ મોટા
પાયે એમ્પ્લોઇને છૂટા કરી દીધા અને બીજી તરફ ઇલોન મસ્કની રીતરસમોથી અકળાયેલા
એમ્પ્લોઇ પોતે પણ રાજીનામા આપવા લાગ્યા છે. આ સ્થિતિમાં ઘણા લોકોને લાગે છે કે
ટ્વીટર હવે લાંબું ટકશે નહીં. ટ્વીટર સર્વિસ તરીકે સાવ બંધ થઈ જવાની શક્યતા નથી
પરંતુ લોકોના વિચારો જાણવા માટે તથા વિવિધ ફિલ્ડના અપડેટ્સ જાણવા માટેના એક અત્યંત
પોપ્યુલર પ્લેટફોર્મ તરીકે ટ્વીટરનું હાલનું મહત્ત્વ ઓસરી જાય એવું બની શકે.
આવી સ્થિતિમાં મોટા ભાગે બનતું હોય છે તેમ લોકો ટ્વીટરના વિકલ્પ શોધવા લાગ્યા
છે. ભારતમાં કૂ એપ તેના એક વિકલ્પ તરીકે ઊભરી છે. પરંતુ સમગ્ર વિશ્વમાં હાલમાં એક
નામ ખાસ્સું ગાજી રહ્યું છે - માસ્ટોડોન.
આને ટ્વીટરનો વિકલ્પ કહેવો મુશ્કેલ છે કેમ કે એ ખાસ્સું અલગ પ્રકારનું સોશિયલ
પ્લેટફોર્મ છે, પરંતુ હાલમાં બહુ મોટા
પ્રમાણમાં ટ્વીટર છોડીને માસ્ટોડોન પર એક્ટિવ થવા લાગ્યા છે. વાસ્તવમાં માસ્ટોડોન
નેટવર્કના નેટવર્ક જેવું છે અને કંઇક અંશે ટીનેજર્સમાં પોપ્યુલર ડિસ્કોર્ડ જેવું
છે. લોકો આ નેટવર્ક પર આખી દુનિયામાં પથરાયેલા સર્વર પર પોતપોતાનાં નેટવર્ક ચલાવે
છે. આ આખું કોમન નેટવર્ક કે પ્લેટફોર્મ પાછું ફેડીવર્સ તરીકે ઓળખાય છે. આપણે જેમાં
રસ પડે તે સર્વરમાં જોડાઈ શકીએ છીએ. લોકો પોતાના ખર્ચે અથવા અન્ય લોકોના ડોનેશનથી
ફેડીવર્સ પર પોતાનાં સર્વર ઊભા કરીને ચલાવતા હોય છે. આવા દરેક સર્વર પર એક્ટિવ
રહેવાના, મોડરેશનના પોતપોતાના નિયમો
હોય છે.
ફેસબુક ગ્રૂપની જેમ અહીં જે તે સર્વરમાં કોણ જોડાઈ શકે અને કેવા પ્રકારનું
કન્ટેન્ટ પોસ્ટ થઈ શકે તેના કડક નિયમો હોય છે. તમે ઇચ્છો તો તમારું પોતાનું સર્વર
પણ શરૂ કરી શકો. આપણે પોતાના રસના લોકેશન કે ટોપિક મુજબના સર્વરમાં જોડાઈ શકીએ
છીએ. આવા સર્વરમાં આપણું એકાઉન્ટ કંઈક અંશે ટ્વીટર અને ઇમેઇલની ભેળસેળ જેવું હોય
છે, જેમ કે @yourname@tech22. પહેલો હિસ્સો આપણું યૂઝરનેમ
બતાવે અને બીજો હિસ્સો આપણે માસ્ટોડોનના ક્યા સર્વરમાં છીએ તે બતાવે છે. માસ્ટોડોન
પર આપણે ટ્વીટ નહીં, ટૂટ કરી શકીએ છીએ અને તેની મર્યાદા ૫૦૦ કેરેકટરની છે!
જોકે તમને યાદ હશે જ કે બે ત્રણ વર્ષ પહેલાં વોટ્સએપની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ
સામે હોબાળો થયો હતો ત્યારે લોકો વોટ્સએપ છોડીને તેના વધુ સલામત અને પ્રાઇવેટ વિકલ્પ સમા સિગ્નલ તરફ વળવા
લાગ્યા હતા. પરંતું ત્યાં તેમના સર્કલમાંનું કોઈ ન દેખાતાં ચૂપચાપ પાછા સૌ વોટ્સએપ
પર આવી ગયા હતા! ટ્વીટર અને માસ્ટોડોનના કિસ્સામાં એવું જ થવાની પૂરેપૂરી શક્યતા
છે.