દેવપુરાની સીમમાંથી દારૂ ભરેલા આઈસર સાથે 2 શખ્સની ધરપકડ


- વાપીના બલીઠા ગામના બુટલેગર પાસે બાપ-દિકરાએ લાખો રૂપિયાનો દારૂ મંગાવ્યો

- આઈસરમાંથી કારમાં દારૂનું કટિંગ થતું હતું ત્યારે પોલીસ ત્રાટકી, નાસી છુટેલા પિતા-પુત્રમાંથી પુત્રને દારૂ ભરેલી કાર સાથે ભાલ પોલીસે ઝડપી લીધો

ભાવનગર : ધોલેરા તાલુકાના દેવપુરા ગામની સીમમાંથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે વલસાડ અને દમણ જિલ્લાના બે શખ્સને દબોચી લીધા હતા. જ્યારે દારૂ મંગાવનાર પિતા-પુત્ર નાસી જતાં દિકરાને વેળાવદર ભાલ પોલીસે દારૂ ભરેલી કાર સાથે રવિવારે મધરાત્રે ઝડપી લીધો હતો.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ધોલેરાના દેવપુરા ગામની સીમમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે ધોલેરા પોલીસે રવિવારે મધરાત્રિના સમયે દરોડો પાડતા આઈસર નં.જીજે.૨૧.ટી.૫૮૪૦માંથી વિદેશી દારૂનો જથ્થો કારમાં ખાલી થઈ રહ્યો હતો. આ સમયે પોલીસને જોઈ ચાર શખ્સ પૈકીના બુટલેગર પિતા-પુત્ર દારૂ ભરેલી કાર અને બાઈક લઈ નાસી ગયા હતા. જ્યારે દારૂનો જથ્થો પહોંચાડનાર આઈસરનો ચાલક-માલિક વિનોદ છીબાભાઈ પટેલ (રહે, બલીઠા, તા.વાપી, જિ.વલસાડ) અને ધવલ શૈલેશભાઈ પટેલ (રહે, દાભેલ ગામ, જિ.દમણ)ને વિદેશી દારૂ-બિયરના ટીન નં.૧૧૪૦ (કિ.રૂા.૨,૧૯,૬૦૦), આઈસર અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂા.૭,૨૯,૬૦૦ના મુદ્દામાલ સાથે દબોચી લઈ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો દેવપુરા ગામે રહેતો જયંતી ગગજીભાઈ મહેરાએ મંગાવ્યાનું અને તે શખ્સ બાઈક લઈ નાસી ગયાની કબૂલાત આપી હતી. જ્યારે તેનો પુત્ર નરેશ જયંતીભાઈ મહેરા દારૂ ભરેલી કાર લઈ ગાંગાવાડ (કાનાતળાવ) તરફ નાસી ગયો હોય, જેથી ધોલેરા પોલીસે વેળાવદર ભાલ પોલીસને જાણ કરતા ભાલ પોલીસે નરેશ મહેરાને દારૂ ભરેલી કાર સાથે ઝબ્બે કર્યો હતો. બનાવ અંગે ધોલેરા પોલીસે ચારેય શખ્સ વિરૂધ્ધ પ્રોહિ. એક્ટની કલમ ૬૫ એ, ૬૫ (ઈ), ૧૧૬-બી, ૯૮ (ર), ૮૧, ૮૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, ભાલ પોલીસમાં પણ ચારેય બુટલેગર સામે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



Source link

Leave a Comment