પંજાબી,મંચુરિયનમાં કલરની ભેળસેળ, સન્ની પાજી દા ધાબાને 6 લાખનો દંડ



- રાજકોટમાં હોટલનો રંગીન-સુગંધી ખોરાક ખાતા ચેતજો

- સુગંધ એન્ટરપ્રાઈઝમાં હલકી ગુણવત્તાના જીરુ બદલ રૂ।.10 હજારનો અને ગાયના દૂધમાં વેજી.ફેટની ભેળસેળ બદલ માત્ર 15 હજારનો દંડ

- મનપા દ્વારા વધુ બે નમુના લેવાયા પણ ખાદ્યતેલોમાં ઉત્પાદકોને થતા થાબડભાણાં

રાજકોટ: રાજકોટમાં હોટલમાં રંગબેરંગી,સુગંધીદાર, ચટાકેદાર આઈટેમો ખાવાના શોખીનો માટે વધુ એક વાર લાલબત્તી ધરતો રિપોર્ટ આજે મનપાએ જારી કર્યો છે. યાજ્ઞિાકરોડ પર સર્વેશ્વર ચોકમાં આવેલ “સન્ની પાજી દા ધાબા’માં પંજાબી રેડ ગ્રેવી તથા મંચુરિયન ડ્રાય એ બન્ને નમુના લેબોરેટરીમાં ચકાસાતા તેમાં માત્ર હળદર,મરચાં વગેરેના કુદરતી કલરને બદલે સિન્થેટીક ફૂડ કલર મળતા બન્ને કેસમાં કૂલ રૂ।.6 લાખનો દંડ કરાયો છે.

મનપા સૂત્રો અનુસાર નમુના આપનાર અમનદીપસિંહ કુલવંતસિંહને એક-એક લાખ, પેઢીના નોમીની ચરણપ્રીતસિંઘ ઉજાગરસિંઘને રૂ।.એક-એક લાખ અને ફૂડ પાર્સલની ભાગીદારી પેઢીને એક-એક લાખ સહિત કૂલ રૂ।.6 લાખનો દંડ એજ્યુડિકેટીંગ ઓફિસર દ્વારા ફટકારાયો છે.

જ્યારે માલધારી રેલવે ક્રોસિંગ પાસે, કોઠારીયા રોડ પર ‘સુગંધ એન્ટરપ્રાઈઝ’માંથી જીરુનો નમુનો તપાસાતા તે ઉતતરતી ગુણવત્તાનો ઠરતા નીલેશભાઈ છગનભાઈ અમૃતિયા અને ઉત્પાદક સુગંધ એન્ટરપ્રાઈઝને સંયુક્ત રીતે રૂ।.10 હજારનો દંડ કરાયો છે.

જય દ્વારકાધીશ નાસ્તા ગૃહ (પીજીવીસીએલ સામે, નાનામવા મેઈનરોડ)માંથી ગાયનું ઘી તરીકે વેચાતા ઘીની લેબોરેટરીમાં ચકાસણી કરતા તેમાં વેજીટેબલ ફેટની ભેળસેળ ખુલી હતી અને ઘી નબળી ગુણવત્તાનું ઠર્યું હતું જે અન્વયે પેઢીના માલિક વિજયભાઈ મસરીભાઈ જોગલને રૂ।.15000 નો દંડ કરાયો છે.

મનપા દ્વારા આજે પણ ચોકલેટ ફ્લેવર પાવડર અને ડાયટરી સપ્લીમેન્ટના નમુના લેવાયા હતા પરંતુ, મનપા દ્વારા શંકાજનક રીતે ઘણા સમયથી ખાદ્યતેલના નમુના લેવાનું ટાળવામાં આવે છે. ખાદ્યતેલમાં સિંગતેલ અને પામતેલ વચ્ચે રૂ।.1100 થી 1200 નો ભાવ ફરક હોય ભેળસેળનું જોખમ વધ્યું છે.



Source link

Leave a Comment