પરિણામ આવે તે પહેલા કોંગ્રેસમાં ખુશીની લહેર દોડી, મુખ્યમંત્રી બનવા માટે દિલ્હીના આંટાફેરા શરુ કર્યા


શિમલા: હિમાચલની ચૂંટણીના રિઝલ્ટ આવવામાં હજૂ એક પખવાડીયા કરતા પણ વધારે સમય બાકી છે. તેમ છતાં પણ ચૂંટણી સર્વેથી ઉત્સાહિત રાજ્યમાં કોંગ્રેસના દિગ્ગજ મુખ્યમંત્રી પદ મેળવવા માટે હોડ લગાવવા લાગ્યા છે. કોંગ્રેસ સૂત્રોએ કહ્યું છે કે, આંતરિક સર્વેથી સંકેત મળ્યા છે કે, પાર્ટીને હિમાચલમાં બહુમત મળવાની સંભાવના છે. જેનાથી મુખ્યમંત્રી પદના દાવેદારોની સંખ્યા વધી રહી છે. એક વરિષ્ઠ નેતાએ એએનઆઈને જણાવ્યું છે કે, તેમને વિશ્વાસ છે કે, કોંગ્રેસ હિમાચલમાં 42થી 46 જેટલી સીટ જીતી રહી છે અને અમુક અપક્ષ ઉમેદવારો પણ તેમના સંપર્કમાં છે.

ત્યારે હવે સ્થિતિ એવી થઈ છે કે, હિમાચલના મોટા નેતાઓ અત્યારથી દિલ્હીમાં પોતાની હાજરી નોંધાવાની શરુ કરી દીધી છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પ્રચાર સમિતિના પ્રમુખ સુખવિંદર સિંહ સુખ્ખુ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે મળવા આવી રહ્યા છે. જ્યારે મંડીથી પાર્ટીના સાંસદ અને પૂર્વ સીએમ વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ અને તેમના દીકરા વિક્રમાદિત્યએ પણ દિલ્હીના આંટાફેરા ચાલું કરી દીધા છે. 1983માં હિમાચલમાં સીએમ બન્યા બાદ વીરભદ્ર સિંહનો દબદબો રહ્યો છે. જ્યારે પણ પાર્ટીની સરકાર બની, તેઓ હિમાચલના સીએમ બન્યા છે. 1983 બાદ આ પ્રથમ વાર ચૂંટણી છે, જ્યારે વીરભદ્ર સિંહના નિધન બાદ તેમના વગર કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે.

આ પણ વાંચો: હિમાચલ પ્રદેશ ચૂંટણી: મતદાન માટે લોકોમાં ગજબનો ઉત્સાહ, દુનિયાના સૌથી ઊંચા મતદાન કેન્દ્ર પર 100 ટકા મતદાન

આ વીરભદ્ર સિંહનો જ દબદબો હતો કે, તેમની પત્ની પ્રતિભા સિંહ ચૂંટણી પહેલા અધ્યક્ષ બનીને ચૂંટણીમાં કુદી પડ્યા. પાર્ટીએ તેમના ધારાસભ્ય દીકરા વિક્રમાદિત્યે બીજી વાર મેદાને ઉતાર્યા. પણ તેમનું નગણ્ય પ્રશાસનિક અનુભવ તેમના સીએમ બનવામાં અડચણરુપ બની રહ્યું છે. હિમાચલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખ્ખુ પણ મુખ્યમંત્રી પદની રેસમાં છે. આ ઉપરાંત ડલહૌઝીથી છ વખત ધારાસભ્ય રહેલા આશા કુમારી પણ સીએમ પદની રેસમાં છે. આશા કુમારી છત્તીસગઢના મુખ્યમંત્રી ટીએસ સિંહદેવની બહેન છે. કેબિનેટ મંત્રી રહેલા આશા કુમારી તો સાતમી વાર વિધાનસભા પહોંચશે તો મુખ્યમંત્રીનો દાવો ઠોકી શકશે.

જ્યારે વીરભદ્ર સિંહના પરિવારને મુખ્યમંત્રીની ખુરશીથી દૂર રાખવું અને તેમના વિરોધી નેતાને કમાન સોંપવી હાઈકમાન્ડ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકશે. ત્યારે આવા સમયે વીરભદ્ર સિંહના પરિવારના નજીકના બે પ્રભાવશાળી નેતા મુકેશ અગ્નિહોત્રી અને સુધીર શર્મા પાર્ટી માટે વિકલ્પ બની શકે છે. અહીં ઉલ્લેખનિય છે કે, થોડા મહિના પહેલા ઉત્તરાખંડ ચૂંટણી બાદ પણ કોંગ્રેસે આવી જ આશા વ્યક્ત કરી હતી અને હરીશ રાવતને સીએમ બનાવાની તૈયારી કરી હતી. જ્યારે પરિણામ કંઈક અલગ આવ્યા અને ભાજપની સરકાર બની ગઈ. જો કે, આ વખતે કોંગ્રેસે પોતાના નેતાઓને કહી દીધું છે કે, હિમાચલ ચૂંટણીના પરિણામ ન આવે ત્યાં સુધી દિલ્હી બાજૂ આંટા મારવાનું રહેવા દેજો.

Published by:Pravin Makwana

First published:

Tags: Congress Himachal, Himachal Pradesh Election 2022



Source link

Leave a Comment