- નાળુ જરૂરીયાત પ્રમાણે મોટુ કરવાની તાતી આવશ્યકતા
- માલપરા અને દાંત્રેટીયા સહિત 3 ગામોના લોકોને અવર-જવરમાં પારાવાર મુશ્કેલી સામે તંત્રનું દુર્લક્ષ્ય
ભાવનગર : વલ્લભીપુર તાલુકાના પાટણા(ભાલ)થી લુણધરા રોડના રીકાર્પેટની કામગીરીમાં સાત વર્ષથી અકારણ વિલંબ દાખવવામાં આવી રહ્યો હોય વાહનચાલકોને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ ગંભીર બાબતે સત્તાધીશોની ઉદાસીનતા ગ્રામજનોમાં ટીકાને પાત્ર બનેલ છે.
વલ્લભીપુરના પાટણા(ભાલ)થી લુણધરાનો પાકો રોડ બન્યાને સાત વર્ષ જેવો સમય વીતી ગયેલ છે. લુણધરા, માલપરા અને દાંત્રેટીયા વગેરે ગામોના લોકો આ રોડ પરથી પાટણા ગામે હટાણા અને અન્ય કામ માટે આવે છે. ઉપરોકત ત્રણેય ગામોના વિદ્યાર્થીઓ પણ આ રોડ પરથી સાયકલ લઈને પાટણા હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે અવર-જવર કરી રહ્યા છે. આ રોડ અને રોડનું નાળુ તૂટી ગયેલ છે.ગયા વર્ષે તૂટી ગયેલ નાળુ ભુંગળાપાઈપ નાખી રીપેર કરવામાં આવ્યુ હતુ. પરંતુ ચાલુ વર્ષે પણ નાળુ તૂટી ગયેલ છે. પાણીની આવક પ્રમાણે નાળુ નાનું બનાવાયેલ છે. જે મોટુ કરવાની પણ તાતી જરૂરીયાત છે. આ રોડ બન્યાને સાત વર્ષ જેવો સમય વીતી ગયેલ છે. રોડ અને નાળુ તૂટી જતા રાહદારીઓ અને વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ રોડ રીકાર્પેટ કરવા માટે વર્ષ ૨૦૨૧-૨૨માં દરખાસ્ત કરાઈ હતી જે મંજુર થયેલ નથી તેવુ મા. અને મકાન વિભાગ દ્વારા વલ્લભીપુર દ્વારા જાણવા મળેલ છે. આ રોડ બન્યાને સાત સાત વર્ષ થઈ ગયેલ હોય અને રોડ તેમજ નાળુ તૂટી ગયેલ હોય ગ્રામજનોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે તેમ છતાં આ રોડના રીકાર્પેટનું કામ અત્યાર સુધી મંજુર કેમ થયેલ નથી કે નવી દરખાસ્તની જરૂર હોય અત્યાર સુધી કેમ દરખાસ્ત થયેલ નથી. તેની તપાસ કરી આ રોડનું રીકાર્પેટ અને મોટા નાળાનું કામ વહેલી તકે કરવામાં આવે તેવી વલ્લભીપુર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના ડાયરેકટર દ્વારા રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે.