પીએમ મોદીએ નામિબિયાથી લવાયેલા ચિત્તા કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડયા



- ભારતમાં 75 વર્ષ પછી ફરી ચિત્તાનું આગમન

- નામિબિયાથી પાંચ માદા, ત્રણ નર - કુલ આઠ ચિત્તા લવાયા લોકોએ ચિત્તા જોવા માટે હજુ કેટલાક મહિના રાહ જોવી પડશે

નવી દિલ્હી : ભારતમાંથી નામશેષ થઈ ગયાના લગભગ સાત દાયકા પછી ચિત્તાઓનું ફરી દેશમાં આગમન થયું છે. ભારતના જંગલોમાં ચિત્તાઓના પુનર્વસનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓમાંથી ત્રણને શનિવારે મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક વિશેષ વાડામાં છોડયા હતા. ‘પ્રોજેક્ટ ચિત્તા’નો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની સરકાર વન્યજીવો અને પર્યાવરણના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ૭૨મો જન્મદિન ઊજવી રહ્યા છે ત્યારે નામીબિયાથી વિશેષ વિમાનમાં ગ્વાલિયર એરપોર્ટ અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત શ્યોપુર જિલ્લામાં સ્થિત કેનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાઓને લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ત્રણ ચિત્તાને વિશેષ વાડામાં છોડયા પછી તેમની તસવીરો પણ લીધી હતી. વડાપ્રધાન મોદીએ ભારતમાં ચિત્તાઓના પુનર્વસન માટે નક્કર પ્રયાસો નહીં કરવા બદલ અગાઉની કોઈપણ સરકારોની ઝાટકણી કાઢી હતી.

પાંચ માદા અને ત્રણ પુરુષ એમ કુલ આઠ ચિત્તાઓનો ૮,૦૦૦ કિ.મી. દૂર નામીબિયાથી ભારતનો પ્રવાસ શુક્રવાર રાત્રીથી શરૂ થયો હતો. આ ચિત્તાઓની વય ૩૦થી ૬૬ મહિનાની છે. કૂનો રાષ્ટ્રીય ઉદ્યાન વિદ્યાંચલના પર્વતોની ઉત્તરે સ્થિત છે અને ૩૪૪ વર્ગ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. વડાપ્રધાન મોદીએ ઊંચા ડાયસ પરથી વિશેષ પાંજરામાં કેદ ત્રણ ચિત્તાઓને વિશેષ વાડામાં છોડયા હતા. શરૂઆતમાં ચિત્તા નવા વાતાવરણમાં થોડાક ખચકાટ સાથે બહાર નીકળ્યા હતા. તેમણે ઉત્સુક્તાપૂર્વક આજુબાજુના વાતાવરણનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, થોડાક જ સમયમાં તે નવા વાતાવરણ સાથે એડજસ્ટ થઈ ગયા હતા.

કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનના ડિવિઝનલ ફોરેસ્ટ અધિકારી પીકે વર્માએ કહ્યું કે અન્ય પાંચ ચિત્તાને અલગ વાડામાં અન્ય હસ્તીઓ મારફત છોડવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં અમૃતકાળ દરમિયાન ચિત્તાના પુનર્વસન માટે નક્કર પ્રયાસો હાથ ધરાયા છે. હું નામીબિયા સરકારનો આભાર માનું છું, જેણે દાયકાઓ પછી ભારતીય જમીન પર ચિત્તાઓના પુનર્વસનમાં મદદ કરી છે. ભારતમાં છેલ્લે ૧૯૪૭માં છત્તિસગઢના કોરિયા જિલ્લામાં ચિત્તા જોવા મળ્યા હતા. ત્યાર પછી વર્ષ ૧૯૫૨માં ચિત્તાઓને ભારતમાંથી વિલુપ્ત થઈ ગયા હોવાનું જાહેર કરાયું હતું.

મોદીએ ઉમેર્યું કે, આ ચિત્તા કૂનો નેશનલ પાર્કને પોતાનું ઘર બનાવે તે માટે આપણે તેમને થોડાક મહિનાઓનો સમય આપવો પડશે. લોકોએ આ ચિત્તાઓને જોવા માટે હજુ થોડોક સમય રાહ જોવી પડશે. પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી થાય છે ત્યારે આપણું ભવિષ્ય સલામત બને છે. તે વિકાસ અને સમૃદ્ધિ માટેના નવા દરવાજા ખોલે છે. કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાના આગમનથી આ વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બનશે.

દરમિયાન કોંગ્રેસે જણાવ્યું હતું કે, ચિત્તાના પુનર્વસન માટેના પ્રોજેક્ટના પ્રસ્તાવને યુપીએના શાસનમાં ૨૦૦૮-૦૯માં મનમોહન સરકારે મંજૂરી આપી હતી અને એપ્રિલ ૨૦૧૦માં તત્કાલીન પર્યાવરણ મંત્રી જયરામ રમેશ આફ્રિકાના ચિતા આઉટ રીચ સેન્ટર ગયા હતા. જોકે, ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટ પર સ્ટે મૂક્યો હતો. ૨૦૨૦માં આ સ્ટે હટયો હતો અને હવે ચિત્તાનું ભારતમાં આગમન થયું છે.



Source link

Leave a Comment