Paytmનો શેર રૂ. ૫૦૦નું લેવલ તોડી ઐતિહાસિક તળિયે
મુંબઈ : વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલમાં ઓપેક દ્વારા ઉત્પાદન વધારવાના વોલ સ્ટ્રીટના અહેવાલ બાદ ભાવ તૂટી ગયા પછી ઓપેક દ્વારા આ અહેવાલને રદિયો આપી વર્ષ ૨૦૨૩ સુધી ઉત્પાદનમાં કાપ જળવાઈ રહેશે એવી સ્પષ્ટતા કરવામાં આવતાં ક્રુડના ભાવ ફરી રિકવર થઈ જવાના ઘટનાક્રમ વચ્ચે આજે વૈશ્વિક શેર બજારોમાં સાધારણ રિકવરી જોવાઈ હતી.
ચાઈના દ્વારા કોવિડ કેસો રેકોર્ડ સપાટીએ પહોંચતાં ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી અંકુશો લાદવામાં આવ્યાના અહેવાલ વચ્ચે આજે ફંડોએ ઘટાડે શેરોમાં સિલેક્ટિવ શોર્ટ કવરિંગ કર્યું હતું. જેથી બજાર ઈન્ડેક્સ બેઝડ સાધારણ રિકવર થયું હતું.દરમ્યાન મેક્વાયર કેપીટલ દ્વારા દ્વારા રિલાયન્સની એન્ટ્રીથી પેટીએમના બિઝનેસને મોટો ફટકો પડવાનો અહેવાલ પાછળ આજે ન્યુ એજ ટેકનોલોજી કંપનીઓના શેરોમાં ગાબડાં પડયા હતા.
પેટીએમ-વન ૯૭ કોમ્યુનિકેશન્સ લિમિટેડને રિલાયન્સની ફાઈનાન્શિયલ સર્વિસિઝ બિઝનેસ ક્ષેત્રે પ્રવેશે હરીફાઈમાં ફટકો પડવાના મેક્વાયરના અહેવાલ વચ્ચે આજે પેટીએમ સહિતના ન્યુ એજ ટેકનોલોજી કંપનીઓના શેરોમાં ગાબડાં પડયા હતા. સેન્સેક્સ અંતે ૨૭૪.૧૨ પોઈન્ટ વધીને ૬૧૪૧૮.૯૬ અને નિફટી સ્પોટ ૮૪.૨૫ પોઈન્ટ વધીને ૧૮,૨૪૪.૨૦ બંધ રહ્યા હતા.
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંજે બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૧.૨૭ ડોલર વધીને ૮૮.૭૨ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૧.૦૮ ડોલર વધીને ૮૧.૧૨ ડોલર નજીક રહ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ૧૭ પૈસા મજબૂત બનીને ૮૧.૬૬ રહ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ફાઈનાન્શિયલ સર્વિસિઝ બિઝનેસમાં જિઓ પ્લેટફોર્મ થકી પ્રવેશ અને આ માટે રિલાયન્સ દ્વારા ફાઈનાન્શિયલ બિઝનેસની કંપની ડિમર્જ કરી લિસ્ટ કરવાનું અગાઉ બીજા ત્રિમાસિકના પરિણામ જાહેર કરતાં સમયે જાહેર કર્યું હોઈ મેક્વાયર દ્વારા રિલાયન્સની એન્ટ્રીથી પેટીએમ-વન ૯૭ કોમ્યુનિકેશન્સ લિમિટેડના બિઝનેસને મોટો ફટકો પડવાનો અહેવાલ આવતાં ફંડોની પેટીએમ સહિત ન્યુ એજ ટેકનોલોજી કંપનીઓના શેરોમાં મોટાપાયે વેચવાલી નીકળી હતી.
પેટીએમ આજે તૂટીને રૂ.૪૭૪.૩૦ નવું તળીયું બતાવી અંતે રૂ.૬૦.૨૦ તૂટીને રૂ.૪૭૬.૮૦ રહ્યો હતો. પોલીસીબઝાર-પીબી ફિનટેક રૂ.૧૦.૬૦ ઘટીને રૂ.૪૦૦.૯૫, એફએસએન ઈ-કોમર્સ નાયકા રૂ.૮.૩૦ તૂટીને રૂ.૧૭૫.૨૦, ડેલહિવરી રૂ.૯.૬૫ ગબડીને રૂ.૩૩૪.૯૦, ઝોમાટો રૂ.૬૩.૯૫, એજીએસ ટ્રાન્ઝેક્ટ રૂ.૭૪.૪૦ રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૧૫ વધીને રૂ.૨૫૬૫.૦૫ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વ્યાપક ધોવાણ
સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક શેરોમાં ઓછો વોલ્યુમે ભાવો તૂટતાં જોવાઈ રહ્યા હતા. ફંડો, મહારથીઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાંથી રોકાણ પાછું ખેંચવાનું સતત ચાલુ રાખીને આજે પણ વ્યાપક વેચવાલી કરી હતી.
ફંડો, મોટા ખેલાડીઓએ સતત પોતાનો રોકાણ પોર્ટફોલિયો ખાલી કરતાં રહી ઉછાળે ખપતો શેરો વેચવાનું ચાલુ રાખ્યું હતું. જેથી માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૮૫ અને ઘટનારની સંખ્યા ૧૮૮૧ રહી હતી.
FIIની કેશમાં રૂ.૬૯૭ કરોડની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૬૯૭.૮૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૨૮૮.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૯૮૬.૩૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આજે કેશ સેગ્મેન્ટમાં રૂ.૬૩૬.૩૯ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૫૩૩૪.૪૨કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૬૯૮.૦૩ કરોડની વેચવાલી થઈ હતી.