નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર 2022, શનિવાર
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી ગઈ છે. IRCTC કૌભાંડ કેસમાં સીબીઆઈએ તેમની વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સીબીઆઈએ આ કેસમાં તેમને આપવામાં આવેલા જામીન રદ કરવાની માંગ કરી છે. જેના પર રાઉઝ એવન્યુ કોર્ટે તેજસ્વી યાદવને નોટિસ પણ પાઠવી છે.
વર્ષ 2018માં, તપાસ એજન્સીએ IRCTC ટેન્ડર કૌભાંડ કેસમાં RJD સુપ્રીમો લાલુ પ્રસાદ, પૂર્વ સીએમ રાબડી દેવી, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સહિત 14 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તે સમયે એવું માનવામાં આવતું હતું કે, આ બાબતને કારણે તેજસ્વીની રાજકીય કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં ગ્રહણ લાગી શકે છે.
જે સમયે સીબીઆઈએ આ ચાર્જશીટ દાખલ કરી હતી તે સમયે લાલુ પહેલેથી જ ઘાસચારા કૌભાંડ કેસમાં સજા ભોગવી રહ્યાં છે, તેમજ એમ્સમાં સારવાર લઈ રહ્યા હતા.
વર્ષ 2004માં તત્કાલિન રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે બે રેલવે હોટલ IRCTCને ટ્રાન્સફર કરી હતી. તેમની કાળજી લેવા માટે ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ખબર પડી કે ટેન્ડર આપવામાં ગેરરીતિ આચરવામાં આવી છે.
આ તપાસમાં જાણવા મળ્યું કે, લાલુએ રેલ્વે મંત્રી રહીને કોચર ભાઈઓની કંપની સુજાતા હોટલને રેલ્વેની પુરી અને રાંચીમાં સ્થિત બે હોટલ ફાળવી હતી. તેના વિતરણમાં, નિયમોને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા હતા. આ ફાળવણીના બદલામાં પટનાની શેલ કંપની ડિલાઇટ માર્કેટિંગ દ્વારા કરોડોની કિંમતની જમીન લાલુ પ્રસાદ યાદવને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કંપની હવે લારા પ્રાઈવેટ કંપની તરીકે ઓળખાય છે.
તે સમયે આ કેસની જવાબદારી સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના હાથમાં આવી હતી.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, હોટલ ફાળવણીમાં ગેરરીતિઓ થઈ હતી. જમીન હોટલને લીઝ પર આપવાને બદલે લેવામાં આવી હતી. 65 લાખમાંથી 32 કરોડની જમીન લેવામાં આવી હતી.
તો બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, જો તેજસ્વી સામેનો આરોપ સાબિત થયો હોત તો તેને 7 વર્ષની સજા થઈ હોત. આવી સ્થિતિમાં તેજસ્વી એક પણ ચૂંટણી લડી શક્યો ન હતો. કાયદાકીય નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિને 6 મહિનાથી વધુની સજા થાય છે, તો તે વ્યક્તિ ચૂંટણી લડી શકશે નહીં તેવી જોગવાઈ લોકોના પ્રતિનિધિત્વ કાયદા હેઠળ છે.