- સમયસર પહોંચેલા નૈઋત્વ ચોમાસાની વિદાયમાં વિલંબ
- બપોરથી વરસાદી માહોલ સર્જાયો, સાંજે ઝાપટું વરસી જતાં રોડ ભીંજાયા, રાવણ દહનના કાર્યક્રમમાં મેઘરાજાએ રંગમાં ભંગ પાડયો
ભાવનગર જિલ્લામાં ઓણ સાલ સમયસર પહોંચેલા નૈઋત્વ ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ રહ્યો છે. નવરાત્રિના પ્રારંભિક તબક્કા બાદ હવે દશેરામાં પણ મેઘરાજાની એન્ટ્રીથી સમીસાંજે શહસ્માં હળવાથી ભારે ઝાપટાં વરસી ગયા હતા. જેના કારણે રાવણ દહનના કાર્યક્રમમાં મેઘરાજાએ રંગમાં ભંગ પાડયો હતો.
શહેરમાં આજે સવારે ભાદરવાના તાપ જેવી ગરમી રહ્યો હતો. જેના કારણે મહત્તમ તાપમાનનો પારો સીધો દોઢ ડિગ્રીથી વધુ ઉંચકાઈને ૩૬.૦૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં વરસાદી વાદળો ઘેરાતા જાણે મેઘરાજાને હજુ વરસવાનું બાકી હોય તેવો માહોલ સર્જાયો હતો. દરમિયાનમાં સમીસાંજના સમયે આકાશમાં ગોરંભાયેલા વાદળો એકાએક વરસી પડતા શહેરના મોટાભાગના રાજમાર્ગો ભીંજાયા હતા. શહેરમાં હળવાથી ભારે ઝાપટાં સ્વરૂપે એક મિ.મી. પાણી વરસ્યું હતું. વિજયા દશમીના પર્વે ઝાપટાં સ્વરૂપે અચાનક જ આવી ચડેલી મેઘસવારીએ રાવણ દહનના કાર્યક્રમના આયોજકોને દોડતા કરી દીધા હતા. વરસાદને કારણે રાવણ દહન જોવા આવેલા લોકોના મૂડ ભાંગી ગયા હતા.