રાંદેર અને અડાજણમાં ચેઇન સ્નેચરો બેફામ થયાઃ ત્રણ મહિલાને નિશાન બનાવી


- બેંકમાંથી પરત જઇ રહેલી આધેડ મહિલાએ પ્રતિકાર કરતા ધક્કો મારી ફેંકી દેતા માથા અને હાથમાં ઇજાઃ અડાજણમાં સૌરભ પોલીસ ચોકી નજીક મહિલાની ચેઇન આંચકી

સુરત
સુરતના રાંદેર રોડ નવયુગ કોલેજ અને અડાજણ એલ.પી. સવાણી રોડ સૌરભ પોલીસ ચોકી નજીક તથા પરશુરામ ગાર્ડન પાસે ત્રાટકેલા બાઇક સવાર સ્નેચરોએ ત્રણ મહિલાને નિશાન બનાવી કુલ રૂ. 1.70 લાખની સોનાની ચેઇન આંચકીને ભાગી જતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
અડાજણ ટીજીબી ચાર રસ્તા નજીક સૌરભ રો હાઉસમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર દીપક જેઠાભાઇ પટેલ (ઉ.વ. 39) ની માતા રાઇબેન (ઉ.વ. 58) પગપાળા સૌરભ પોલીસ ચોકી નજીક શાકભાજી લેવા જઇ રહ્યા હતા. ત્યારે પોલીસ ચોકી નજીક શીવધારા સોસાયટીના ગેટ પાસે બાઇક સવાર બે સ્નેચરો રાઇબેનના ગળામાંથી સોનાની રૂ. 80 હજારની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. અડાજણ પરશુરામ ગાર્ડન પાસે પુત્રીને ટ્યુશને મુકી પરત જઇ રહેલા મમતા કાર્તિકેશ્વર મિશ્રા (ઉ.વ. 42 રહે. નવકાર એપાર્ટમેન્ટ, અડાજણ) પાસે અચાનક એક યુવાન ઝડપથી ચાલીને આવ્યો હતો અને ગળામાંથી સોનાની ચેઇન રૂ. 30 હજારની આંચકી દોટ લગાવી નજીકમાં બાઇક લઇ ઉભેલા તેના સાથીદાર સાથે બેસીને ભાગી ગયો હતો.

ત્રીજી ઘટનામાં નીતા ઇન્દ્રવદન મકવાણા (ઉ.વ. 58 રહે. દીપા સોસાયટી, તાડવાડી, રાંદેર રોડ) પતિ સાથે બાઇક પર રાંદેર રોડ નવયુગ કોલેજ નજીક બેંક ઓફ બરોડામાં ગયા હતા. પતિ પોતાના કામ અર્થે બાઇક પર નીકળી ગયા હતા જયારે બેંકનું કામ પતાવી નીતાબેન પગપાળા ઘરે જઇ રહ્યા હતા. ત્યારે સંગના સોસાયટી પાસે બાઇક પર બુકાનીધારી બે સ્નેચરો ઘસી આવ્યા હતા. સ્નેચરે રૂ. 45 હજારની ચેઇન આંચકતા નીતાબેને પ્રતિકાર કર્યો હતો પરંતુ સ્નેચરો ધક્કો મારતા તેઓ રોડ પર પટકાતા માથા અને હાથમાં ઇજા થઇ હતી. જયારે સ્નેચરો ભાગી જવામાં સફળ રહ્યા હતા.



Source link

Leave a Comment