- વર્તમાન મોસમમાં લગ્નો પાછળ એકંદરે રૂપિયા ૩.૭૫ લાખ કરોડના ખર્ચનો મુકાયેલો અંદાજ
મુંબઈ : વર્તમાન વર્ષમાં લગ્નસરાની મોસમ પૂરજોશમાં શરૂ થતાં વિવિધ ચીજવસ્તુની સાથે સજાવટ માટેના ફૂલોની માગમાં પણ જોરદાર વધારો થયો છે, જેને પરિણામે તાજા ફૂલોના ભાવમાં ૧૦૦ ટકા વધારો થયો છે.
ફૂલોના વાર્ષિક વેચાણમાં ૭૫ ટકા ફૂલ લગ્નસમારંભોમાં વપરાતા હોવાનો અંદાજ છે.
તાજેતરના વર્ષોમાં તાજા ફૂલ ખર્ચાળ બની જતા લગ્નસમારંભોમાં સજાવટ માટે તાજા ફૂલની સાથે કૃત્રિમ ફૂલોનો પણ વપરાશ વધી ગયો હોવાનું એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.
ભારતની આશરે ૫૦ અબજ ડોલરની વેડિંગ માર્કેટ કોરોનાની અસર બાદ વર્તમાન વર્ષમાં રિબાઉન્ડ થઈ છે અને નવેમ્બર ૨૦૨૨થી ફેબુ્રઆરી ૨૦૨૩ના ગાળામાં દેશભરમાં અંદાજે ૩૨ લાખ લગ્નો યોજાવાના હોવાની ધારણાં મુકાઈ રહી છે.
ગયા વર્ષે આ ગાળામાં ૨૫ લાખ લગ્નો યોજાયા હતા. ગયા વર્ષે રૂપિયા ત્રણ લાખ કરોડની સરખામણીએ વર્તમાન વર્ષમાં લગ્નો પાછળ રૂપિયા ૩.૭૫ લાખ કરોડ ખર્ચાવાના હોવાની પણ ધારણાં મૂકવામાં આવી રહી છે.
દેશમાં સૌથી વધુ લગ્નો ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યા છે. કોરોના બાદ લગ્ન જેવા સમારંભોમાં મહેમાનોની યાદી પર કાપ મુકાઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. મહેમાનોની પસંદગીમાં યજમાનો એકદમ ચુસ્ત બની ગયા છે, એમ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.