વિદ્યુત સહાયકોને 2 અને 3 વર્ષે કાયમી કરવા માટે મંજૂરીની મહોર


- મેરેથોન બેઠક હકારાત્મક નિવડી, આંદોલન પાછું ખેંચાયું

- ડી.એ., સહાયક સ્કીમ અને સહાયકના લાભોનો 8 દિવસમાં અમલ કરવા ખાત્રી

ભાવનગર : વીજ કંપનીમાં ફરજ બજાવતા વિદ્યુત સહાયકોનો કાયમી કરવા માટે સમયગાળો ઘટાડવા તેમજ અન્ય પ્રશ્નો અંગે આંદોલન છેડવાનું બ્યૂગલ ફૂંકવામાં આવતા સરકારે તાબડતોડ સંકલન સમિતિ સાથે મેરેથોન બેઠક યોજી વીજ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાત્રી આપતા આંદોલન પાછું ખેંચવામાં આવ્યું છે.

પીજીવીસીએલ સહિત ચારેય વીજ કંપનીમાં ફરજ બજાવતા વિદ્યુત સહાયકોને કાયમી કરવા માટે પાંચ વર્ષનો નિયમ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત ઊર્જા સંકલન સમિતિ સાથે સમાધાન કરી કરારભંગ (ડી.એ. ભંગ), સમાધાન ભંગ (સહાયક સ્કીમ અંગે) અને સહાયકના લાભો આપવા સહિતના પ્રશ્ને અગાઉ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવતા ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આંદોલન છેડવાની નોટિસ આપવામાં આવી હતી. જેને લઈ રાજ્ય સરકારે તુરંત હરકતમાં આવી ગઈકાલે મંગળવારે યુનિયનના આગેવાનો સાથે ઊર્જામંત્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ મેરેથોન બેઠક યોજી તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઊર્જામંત્રીએ ખાત્રી આપી હતી. આ બેઠકમાં વિદ્યુત સહાયકમાં જુનિયર એન્જીનિયરને બે વર્ષે, ઈલે. આસી. અને જુનિ. આસી.ને ત્રણ વર્ષે કાયમી કરી દેવાની સૌધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અને આગામી ટૂંક સમયમાં આ અંગેનો પરિપત્ર જાહેર કરવા તેમજ કરારભંગ (ડી.એ. ભંગ), સમાધાન ભંગ (સહાયક સ્કીમ અંગે) અને સહાયકના લાભોનો આઠ દિવસમાં અમલ કરવા ખાત્રી અપાઈ છે. જેથી આગામી તા.૩૦-૯ના રોજની હડતાલને મોકૂફ રાખવામાં આવી હોવાનું એજીવીકેએસના મહામંત્રી ચેતનસિહ રાઠોડે જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, નવરાત્રિ અને દિવાળી પહેલા વીજ કર્મચારીઓના પ્રશ્નનો હકારાત્મક નિવેડો આવતા કર્મચારીઓએ નિર્ણયને આવકાર્યો છે.



Source link

Leave a Comment