- મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકના પરિવારજનોને 5-5 લાખના વળતરનું કર્યું એલાન
નવી દિલ્હી, તા. 21 નવેમ્બર 2022, સોમવાર
બિહારના વૈશાલી જિલ્લામાં રવિવારે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત થઈ ગયા હતા. કેટલાક લોકો ગામમાં જ પૂજા કરવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ ઘટના વૈશાલીના દેશરી પોલીસ સ્ટેશન વિસ્તારના નયાગંજ-28 ટોલામાં બની હતી. ઘટનાના સમાચાર મળતાં જ વડાપ્રધાન મોદીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તથા મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતરનું એલાન કર્યું છે.
આ ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે, વૈશાલી બિહારમાં થયેલ અકસ્માત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. PMNRF (પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ)માંથી દરેક મૃતકના પરિવારજનોને રૂ. 2 લાખનું વળતર આપવામાં આવશે તથા ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
वैशाली के देसरी थाना क्षेत्र में तेज रफ्तार ट्रक द्वारा बच्चों सहित कई लोगों को कुचलने की घटना से मर्माहत हूं। मृतकों के परिजनों के प्रति गहरी संवेदना है तथा उन्हें 5-5 लाख रू० अनुग्रह अनुदान दिया जाएगा। घायलों के समुचित इलाज का निर्देश दिया। उनके शीघ्र स्वस्थ होने की कामना है।
— Nitish Kumar (@NitishKumar) November 20, 2022
આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ ઘાયલોને યોગ્ય સારવાર આપે. તેમણે દરેક મૃતકના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઘટના રાજ્યની રાજધાનીથી લગભગ 30 કિલોમીટર દૂર ઉત્તર બિહાર જિલ્લાના દેશરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે એક ધાર્મિક શોભાયાત્રા એક સ્થાનિક દેવતાની પૂજા કરવા માટે રસ્તાની બાજુના “પીપળ’ના વૃક્ષની સામે એકત્ર થઈ હતી. જેને સ્થાનિક લોકો ભુઈયા બાબા પણ કહે છે. દરમિયાન એક બેકાબૂ ટ્રકે લોકોને કચડી નાખ્યા હતા.
ઘટના બાદ સ્થાનિક લોકોએ ટ્રક ડ્રાઇવર પર દારૂ પીઈને ડ્રાઇવિંગ કરવાનો આરોપ લગાવ્યો છે અને મૃતકના પરિવારજનોને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે, હાલ તો ટ્રક ચાલકને પોલીસે કસ્ટડીમાં લીધો છે અને તેમની સારવાર અને તબીબી તપાસ પછી જ દારૂ પીવાના આરોપ વિશે જણાવવાનું કહેવામાં આવ્યું છે. વૈશાલી ડીએમ નઈમે મૃતકના પરિજનોને ખાતરી આપી હતી કે, તેમને વળતર મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે તેમને આગામી 3 દિવસમાં વળતર આપી દેવામાં આવશે.