શિયાળાની ઋુતુ દરમિયાન લોકો હજારો લીટર ખજૂરનું દૂધ ગટગટાવી જાય છે


- ઠંડીના ચમકારા વધતા ખજુરપાકની ડિમાન્ડમાં ઉછાળો આવશે

- ઈંધણ,દૂધ, લેબરચાર્જ,ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જતા ખજુરનુ દૂધ અને ખજુરપાકના ભાવ સાંભળીને જ લોકોની ઠંડી ઉડી જાય છે

ભાવનગર : કમ્મરતોડ મોંઘવારીના કારણે દિન પ્રતિદિન વધી રહેલા પરિવહન ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન તેમજ મજુરીખર્ચ વધી જતા સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋુતુમાં સર્વોત્તમ ફળ ગણાતા ખજુરના ભાવમાં ઉછાળો આવ્યો છે તેમ છતાં ગોહિલવાડના આરોગ્યપ્રેમીઓ આ સીઝન દરમિયાન હજજારો લીટર ખજુરનું દૂધ ગટગટાવી જાય છે એટલુ જ નહિ ખજુરપાકની ડિમાન્ડમાં પણ વૃધ્ધિ થાય છે.

નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં હાલ ઠંડીની સીઝન ક્રમશ જામતા ખજુર, ખજુરનુ દૂધ અને ખજુરપાકના વેચાણમાં ઉછાળો આવ્યો છે.શિયાળાના પ્રારંભથી જ શહેરના ઘોઘાગેટ, ઘોઘાસર્કલ, સરદારનગર તેમજ કાળાનાળા સહિતના અનેક વિસ્તારોમાં ખજુરના દૂધના વેચાણકેન્દ્રો ધમધમવા માંડે છે. જયાં દરરોજ સાંજથી મોડી રાત્રી સુધી હજજારો સ્વાસ્થ્યપ્રેમીઓ, નવવિવાહિત દંપતિઓ સમવયસ્ક મિત્રવર્તુળ અને પરિવારજનો સાથે ઉમટી રહ્યા છે.દૂધ, ઈંધણ, લેબરચાર્જ, વીજળી તેમજ પરિવહન ખર્ચ વધતા ચાલુ વર્ષે ખજુરના ભાવમાં અંદાજે ૨૦ થી ૨૫ ટકાનો ભાવવધારો ઝીંકાયો છે. આજથી વર્ષો પુર્વે શહેરના વિવિધ વેચાણકેન્દ્રોમાં રૂા ૧૦ નો એક ખજુરના દૂધનો કપ વેચાતો હતો જે હવે અંદાજે રૂા ૨૫ થી ૩૫ નો એક કપ ખજુરનું દૂધ વેચાય છે. તમામ વેચાણકેન્દ્રોમાં મળી દિવસ દરમિયાન લોકો હજજારો લીટર ખજુરનું દૂધ ગટગટાવી જાય છે. જયારે ખજુરપાકના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જયારે સારી ગુણવત્તાવાળો ખજુરપાક રૂા ૪૦૦ આસપાસના ભાવે વેચાઈ રહ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધવાની સંભાવના છે ત્યારે ખજુરનું દુધ અને ખજુરના પાકના વેચાણમાં ચોકકસપણે વિક્રમજનક વધારો થશે. જયારે મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓ અન્ય શિયાળુપાકની સાથોસાથ ઓર્ડર મુજબ ખજુરના પાક પણ બનાવવાનું શરૂ કરી દે છે. આ ઉપરાંત ઘણા શહેરીજનો મહેમાનોની મહેમાનગતિ પણ ખજુરના દુધથી કરતા હોય છે.



Source link

Leave a Comment