સંવેદનશીલ મતદાન મથકોની ફરીથી સમીક્ષા કરવામાં આવશે



મોટા પક્ષોના ઉમેદવારો નક્કી થઇ જતા

સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની વધઘટ થશે ઃ વિસ્તાર અને ઉમેદવારની હિસ્ટ્રી જોવાશે

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો
ફોર્મ ભરાઇ ગયા છે અને ભાજપ-કોંગ્રેસ તથા આપ સહિતના મોટાપક્ષોના ઉમેદવારો નક્કી થઇ
ગયા છે. ત્યારે પોલીસ દ્વારા ફરીથી ઉમેદવારોને ધ્યાને રાખી મતદાન મથકોની સમીક્ષા
કરવામાં આવશે અને તેના આધારે મતદાન મથકોની સંવેદનશીલતાની સંખ્યામાં વધઘટ કરવામાં
આવશે. ઉમેદવારોના મતદાન મથકોને સંવેદનશીલની યાદીમાં મુકી દેવામાં આવશે.

જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, દહેગામ, કલોલ અને માણસા
માટે મોટા રાજકીય પક્ષોની સાથે નાના પક્ષો અને અપક્ષોએ ઉમેદવારી નોંધાવી હતી.
ત્યારે ચૂંટણીતંત્ર હવે આ પ્રક્રિયા પૂર્ણ થતાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન
થાય તે માટેની કામગીરીમાં લાગી ગયું છે. તેમાં પણ ખાસ કરીને મતદાન મથકોની
સંવેદનશીલતા માટે ફરીવાર સમીક્ષા શરૃ કરવામાં આવી છે. અગાઉ મતદાન મથકો અને ગામો
તેમજ વિસ્તારના ઈતિહાસને ધ્યાને રાખીને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મથકો નક્કી
કરવામાં આવ્યા હતા. ત્યારે હવે મુખ્ય પક્ષોના ઉમેદવારો નક્કી થઈ જતાં મતદાન મથકોની
સંવેદનશીલતામાં પણ ફેરફાર થશે. ઉમેદવારો જે વિસ્તારમાંથી આવે છે તે વિસ્તાર અને
તેમના મતદાન મથકને સંવેદનશીલની યાદીમાં મુકી દેવામાં આવશે. નોંધવું રહેશે કે આ
ચૂંટણીમાં ૧પ૦૦ ઉપરાંત પોલીસ અને સેન્ટ્રલ પેરા મીલીટરી ફોર્સની ૩૦ જેટલી કંપની
બંદોબસ્ત કરવાની છે. આ પેરા મીલીટરી ફોર્સના જવાનોને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર
મુકવામાં આવશે એટલું જ નહીં અત્યારથી જ સંવેદનશીલ ગામોમાં ફ્લેગમાર્ચ શરૃ કરાવી દેવામાં
આવી છે.



Source link

Leave a Comment