સરકારે બિલ પાછુ ખેંચ્યું, માલધારીઓ તમામ 11 માંગણીઓ સાથે અડગ


અમદાવાદ,તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસના કારણે લોકોના જીવ પર જોખમ ઉભું થઈ રહ્યું છે. હાઈકોર્ટની લાલઆંખ બાદ સરકારે તાત્કાલિક કાયદો ઘડ્યો હતો પરંતુ રખડતા ઢોર નિયંત્રણ કાયદા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ગવર્નરે રખડતા ઢોર નિયંત્રણ કાયદાને પરત મોકલ્યો છે.

છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો. હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રખડતા ઢોર નિયંત્રણનું બિલ પરત મોકલ્યું છે. તેમણે વિધાનસભા સત્રમાં સરકારે પાસ કરેલ આ બિલ પાછુ મોકલ્યું છે. આગામી દિવસોમાં મળનારા વિધાનસભા સત્રમાં આ બિલને પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે.

વિરોધના વંટોળ વચ્ચે ગુજરાત સરકારે નમતું જોખીને ઢોર નિયંત્રણ બિલ પાછુ ખેંચવાનો નિર્ણય કર્યો છે. આગામી વિધાનસભા સત્રમાં સરકારે બીલ પાછુ ખેંચવાની બાંહેધરી આપી છે. પરંતૂ માલધારી સમાજ સરકારના આ નિર્ણયથી ખુશ નથી જણાઇ રહ્યો.

માલધારી સમાજના આગેવાન નાગજીભાઇ દેસાઇએ ગુજરાત સરકારના ઢોર નિયંત્રણ બિલ મામલે જણાવ્યુ કે, સરકારે માત્ર એક માંગ સ્વીકારી છે પરંતૂ સમાજ ઇચ્છે છે કે, અમારી તમામ 11 માંગણીઓ સરકારે સ્વીકારવી પડશે.

દૂધ હડતાળનું શું?

દેસાઇએ ઉમેર્યું કે, અમારું આંદોલન ચાલુ જ છે અને રહેશે. 21 તારીખે દૂધની હડતાળ પાળવામાં આવશે અને 22 તારીખે ગાયને ગોળના લાડવા ખવડાવવામાં આવશે. આમારી તમામ માગણી નહિ સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર આગામી થોડા દિવસોમાં વિધાનસભાનું વિશેષ સત્ર મળવા જઈ રહ્યું છે, જ્યાં સત્રના પ્રથમ દિવસે જ રખડતા ઢોર નિયંત્રણ કાયદા માટેનું આ બિલ પરત ખેંચી લેવામાં આવશે. માલધારી સમાજના કડક વિરોધ સામે આ બિલ પરત મોકલાવવું માલધારીઓની જીત તરીકે અંકાશે.

સરકારે આ કાયદો લાવીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું:કોંગ્રેસના ધારાસભ્ય

ગુજરાત સરકાર ઢોર નિયંત્રણ બિલ મામલે કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઇની પ્રતિક્રિયા સામે આવી છે, તેમણે કહ્યું કે, સરકારને ભગવાન સદબુદ્ધિ આપે, કોઈપણ કાયદો લાવતા પહેલા તેનો અભ્યાસ કરવો જોઈએ, વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, ગૌચરો વેચાયા.. ઉધોગપતિઓને લ્હાણી કરી હતી, કોર્પોરેશન ના કાયદાઓમાં પણ વ્યવસ્થા છે.

સરકારએ 27 વર્ષમા ઘણો અન્યાય માલધારી સમાજ સાથે કર્યો છે, સરકારે આ કાયદો લાવીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, આ કાયદો સરકારે પાછો ખેંચવો જોઈએ.

પ્રજા/ હાઇકોર્ટ અને માલધારી સમાજ વચ્ચે પિસાતી સરકાર

માલધારી સમાજનું મોટું મહાસંમલેન બે દિવસ પહેલા જ શેરથા ખાતે મળ્યું હતું. સરકારે ઢોર નિયંત્રણ બિલ લાવતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે, ઘણા સમયથી અમે અમારા 14 મુદ્દાની માગ કરતા હતા. ત્યારે સરકાર ઢોર નિયંત્રણ બિલ લાવી, જેમાં એવુ લાગી રહ્યું છે કે, સરકાર માલધારી સમાજને સજા આપવા માગતી હોય.

મહત્વનું છે કે, આ કાયદો વિધાનસભામાં પસાર થયાના થોડા દિવસમાં હવે લાગુ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું જે બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રખડતાં ઢોરની દ્વિધા: હાઇકોર્ટ લાલઘૂમ અને ઢોર માટે માલધારી સમાજ નારાજ



Source link

Leave a Comment