- ડી.એ. અને સહાયક સ્કીમના લાભોથી વંચિત રખાતા રોષ
- 26 મીએ તમામ કચેરીઓ ખાતે સૂત્રોચ્ચાર, હકારાત્મક નિર્ણય નહીં તો જલ આંદોલનની ચિમકી
ભાવનગર : રાજ્યની વીજ કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને કરારભંગ અને સમાધાન ભંગ કરી ડી.એ. અને સહાયક સ્કીમના લાભોથી વંચિત રાખવામાં આવતા આગામી સપ્તાહથી સૂત્રોચ્ચાર અને ૩૦મીએ માસ સી.એલ. પર ઉતરી જવા નોટિસ આપી છે. અગાઉ આ મામલે બેઠક યોજી લાભો આપવા માટે નિર્ણય કરાયો હતો. પરંતુ તેનું પાલન ન થતાં કર્મચારીઓમાં રોષ ભભૂક્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક કરકસરના ભાગરૂપે ખાલી જગ્યાઓના ૨૦ ટકા ફિક્સ પગાર હેઠળ રાખવા તત્કાલિન ગુજરાત વિદ્યુત બોર્ડ સાથે સ્વતંત્ર સહાયક સ્કીમ બનાવી તે સમાધાન મુજબ ૩/૨ વર્ષ મુજબ જ નવીન ભરતી વર્ષ-૨૦૧૮ સુધી કરવામાં આવી હતી. બાદમાં નાણાં વિભાગ/ઊર્જા વિભાગ દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓને જે લાભો આપવામાં આવે છે, તે લાભો ઊર્જા વિભાગને આપવામાં આવતા નથી. જ્યારે ઊર્જા વિભાગના વેતનપંચ સ્વતંત્ર ૨ (પી) કરાર મુજબ અને નાણાં વિભાગે મંજૂરી બાદ અમલાવારી ચાલુ કરવા છતાં તેને અટકાવી દઈ કરાર-સમાધાન ભંગ કર્યું હતું. જે બાબતને લઈ આંદોલનની નોટિસ અપાતા ગત ઓગસ્ટ માસમાં એજીવીકેએસ અને જીબીઆ સંગઠનના હોદ્દેદારો સાથે મિટીંગ યોજી સમાધાન કરી કરારભંગ (ડી.એ. અંગે), સમાધાનભંગ (સહાયક સ્કીમ અંગે) અને સહાયકના લાભોનો અમલ આઠ દિવસમાં કરવા ખાત્રી અપાઈ હતી. પરંતુ ૨૦ દિવસથી વધુ સમય થયો હોવા છતાં તેની અમલવારી ન કરાતા વીજ કર્મચારી-અધિકારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને કર્મચારીઓના પ્રશ્ને સંકલન સમિતિએ પુનઃ આંદોલન છેડવાનો નિર્ધાર કરી આગામી તા.૨૬-૯ના રોજ તમામ કંપનીના સર્કલો, ડિવિઝન, પાવર સ્ટેશન, સબ સ્ટેશન, કોર્પોરેટ ઓફિસ, ઝોનલ ઓફિસ અને અન્ય તમામ કચેરીઓ ખાતે ઓફિસ સમય સિવાય સૂત્રોચ્ચાર સાથે આંદોલનનો આરંભ કરવા તેમજ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તા.૩૦-૯ના રોજ માસ સી.એલ. પર ઉતરી જવા અને ત્યારબાદ જલદ આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી હોવાનું અ.ગુ.વિ. કામદાર સંઘના મહામંત્રી ચેતનસિંહ રાઠોડે જણાવ્યું છે.