Nidhi Dave, Vadodara: વડોદરામાં હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. એક સપ્તાહ સુધી ચાલનારા કાર્યક્રમમાં વિવિધ પ્રકારના એક્ઝિબિશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને ચોકલેટ રેપર્સનું એક્ઝિબિશ ન શહેરના કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન 24 તારીખ સુધી નિ:શુલ્ક નિહાળી શકાશે.સવારે 10 થી સાંજે 6 દરમિયાન શહેરીજનો અનોખું એક્ઝિબિશન જોવા જઈ શકે છે.
ચોકલેટ અને ટોફી મળીને કુલ 600 થી વધુ રેપર
ચોકલેટ રેપરના કલેક્ટર જયંતિ ચાવડા વ્યવસાયે શિક્ષક અને થિયેટર આર્ટીસ્ટ છે. જયંતિ ચાવડાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા મને આ વિચાર આવ્યો હતો કે ચોકલેટ લોકોના ચહેરા પર ખુશી લાવી દે છે, તો આ ખુશીને એક જ ઠેકાણે ભેગી કેમ ન કરવી. આ વિચાર સાથે મેં ચોકલેટ રેપર્સના કલેક્શનની શરૂઆત કરી. આજે મારી પાસે ચોકલેટ અને ટોફી મળીને કુલ 600 થી વધુ રેપર છે. જેમાં વિવિધ કંપનીઓની વિવિધ વેરાઈટી અને વિવિધ ફલેવરની ચોકલેટના રેપર્સનો સમાવેશ થાય છે. કેટલીક વિદેશી ચોકલટના રેપર્સ મારા કલેક્શનમાં છે. આ કલેક્શન જોવા આવનાર યુવાઓ અને વૃદ્ધો પોતાના બાળપણમાં સરી પડે છે.
રેપર અંગેની માહિતી આપવામાં આવી
તદુપરાંત ચોકલેટર રેપર્સની સાથે આ ચોકલેટ રેપર અંગે માહિતી આપવામાં આવે છે.જેમાં ચોકલેટ રેપર્સ કોને કહેવાય, ચોકલેટ રેપર્સના પ્રકાર કેટલા હોય, આ રેપર્સનો ઉપયોગ શું, સમય સાથે આ ચોકલેટ રેપર્સમાં શું પરિવર્તનો આવ્યા, આ તમામ રસપ્રદ વાતો આ પ્રદર્શનમાં શહેરીજનો જાણી રહ્યા છે.