ahmedabad 9 years old girl shocking revealed


અમદાવાદ: કહેવાય છે કે છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય… સંતાનો માટે માતા પિતા પથ્થર એટલા દેવ કરતા હોય છે, પરંતુ અમદાવાદના સોલા વિસ્તારમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જે જાણીને સૌના રુંવાટા ઉભા થઇ જશે. સગા પિતાએ નવ વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારી અસહ્ય માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, ચીપિયા વડે તેને ડામ પણ દીધા હતા.

‘પપ્પા મને ઘરનું કામ કરાવતા હતા અને જો ઘરનું કામ બરાબર ન કરું તો મને ઝાપટો મારતા અને લાકડી વડે માર મારીને રોટલી શેકવાના ચીપિયાને ગરમ કરીને ડામ દેતા હતા.’ આ શબ્દો માત્ર નવ વર્ષની બાળકીના છે. બાળકીએ જ્યારે આ શબ્દો તેના મામાને કહ્યા ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. આ ઘટના અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારની છે. પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા બંનેએ છૂટાછેડા લીધા હતા. જોકે, જે તે સમયે બાળકી તેની માતા સાથે રહેતી હતી પરંતુ માતાએ બીજા લગ્ન કરી લેતા બાળકી તેના મામા સાથે રહેવા લાગી હતી. ત્રણેક મહિના પહેલા તેના પિતા સમાજના આગેવાનો સાથે તેના મામાના ઘરે પહોંચ્યા હતા અને સમજૂતીથી બાળકીને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યાર બાદ તેના પિતાએ બાળકીને અસહ્ય ત્રાસ આપ્યો હતો.

આ પણ વાંચો: IPS Transfer: રાજ્યમાં 22 IPSની બઢતી સાથે બદલી

જોકે, ચારેક દિવસ પહેલા ફરિયાદી પર તેમના એક સંબંધીએ ફોન કરીને કહ્યું હતું કે, તમારી ભાણીને તેના પિતા અતિશય ત્રાસ આપે છે અને માર મારે છે. જેથી ફરિયાદી પરિવારના સભ્યો સાથે ભાણીને લેવા માટે ચાંદલોડિયા ખાતે આવ્યા હતા. પરંતુ ભાણી ન મળતા તેઓ પરત જતા રહ્યા હતા. ગઈકાલે ફરીથી તેઓ ભાણીને લેવા માટે ચાંદલોડિયા ખાતે આવ્યા હતા. જોકે, ઘરે તાળું હોવાથી તેમણે બાળકીના પિતાને ફોન કર્યો હતો. જેથી તેણે ફરિયાદીને તેના ગામ બોલાવ્યા હતા. જ્યાં મોડી રાત સુધી રાહ જોવડાવ્યા બાદ બે વ્યક્તિ બાળકીને લઈને આવ્યા હતા.

બાળકીને જોઈ ત્યારે બંને આંખની નીચેના ભાગે તથા બંને હાથના ભાગે નિશાન હતા અને પગે કોઈએ ડામ લીધેલા હોવાના નિશાન હતા. જ્યારે આ બાબતે બાળકીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે પોતાની આપવીતી જણાવી હતી. બાળકીએ કહ્યું હતું કે, જ્યારથી હું પપ્પાના ઘરે ગઇ હતી, ત્યારથી રોજ મને કોઈપણ કારણ વગર માર મારતા હતા અને અવારનવાર ગુસ્સે થઈને લાકડીથી પણ મારતા હતા. ઘણીવાર મને રોટલી શેકવાના ચીપિયા વડે મારી પીઠના ભાગે તેમજ પગે ડામ આપતા હતા. ઘણી વખત બંને પગ બાંધી લટકાવી માથાના ભાગે લોખંડની ફૂટપટ્ટીથી મારતા હતા અને દિવાલ સાથે માથું પણ પછાડતા હતા. જેથી ફરિયાદીએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જોકે, પોતાની કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો હોવાની જાણ થતાં જ આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે કવાયત શરૂ કરી છે, પરંતુ હજી સુધી આરોપીની કોઈ ભાળ મળી શકી નથી.

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News



Source link

Leave a Comment