શહેરના કોટ વિસ્તારમાં આવેલા જમાલપુરમાં એક ગેંગે લોકોના નાકે દમ લાવી દીધો હતો. છ સભ્યોની આ ગેંગમાં એક જ પરિવારનાના પાંચ સભ્યો છે. જેમના વિરૂદ્ધમાં અનેક ગુના દાખલ થઈ ચૂક્યા છે. એક પછી એક ગંભીર ગુનાને અંજામ આપતી આ ગેંગ વિરૂદ્ધમાં પોલીસે હવે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરી છે. આ ગેંગમાં 3 સગા ભાઈ, તેમના 2 પુત્રો અને અન્ય એક આરોપી સામેલ છે. ગેંગનો મુખ્ય આરોપી બાલમખાન પઠાણ હતો, પરંતુ એકવાર જેલમાં ગયા બાદ ગેંગનો કારોબાર પુત્ર હમઝા પઠાણે સંભાળ્યો હતો. આ ગેંગમાં હમઝા ખાન હથિયાર રાખી કોઈની પર હુમલો કરતો સહેજ પણ ખચકાતો નહીં. આ ગેંગના આરોપીઓએ અત્યાર સુધીમાં અલગ-અલગ 40 જેટલા ગંભીર ગુનાઓને અંજામ આપી વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. આ ગેંગના સભ્યોની વાત કરીએ તો આરોપી બાલમખાન પઠાણ, અજીમખાન પઠાણ અને શરીફખાન પઠાણ ત્રણેય સગા ભાઈઓ છે. જેમાં બાલમખાનના બે પુત્ર હમઝા પઠાણ અને શેરબાઝખાન ઉર્ફે ગુલબાજ પઠાણ છે. અન્ય એક સાગરીત મઝહરખાન પઠાણ છે. આ ગેંગ હત્યાની કોશિશ, મારામારી, ખંડણી, ધમકી, લૂંટ, ધાડ અને આર્મ્સ એક્ટના ગુના આચરી ચૂકી છે. છેલ્લા 8 વર્ષથી આ ગેંગ સક્રિય થઈ હતી.
આ પણ વાંચો: જોજો મોંઘા મોબાઈલની લાલચમાં કાંચના ટુકડા ન ખરીદી લેતા
જેમના ત્રાસથી જમાલપુર વિસ્તારના સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. કારણકે આરોપીઓ સામાન્ય બાબત પર જીવલેણ હુમલો કરી દેતા હતા. એટલું જ નહીં, સામાન્ય લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવા અને મારામારી કરવી તેમના માટે નજીવી બાબત બની ગઈ હતી. જેને લઈ સ્થાનિકોમાં એક ડર બેસી ગયો હતો. જેમાં મોટાભાગના લોકો આ ગેંગ સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરવામાં પણ ડરી રહ્યા છે, ત્યારે આ ગેંગના સભ્યો વિરુદ્ધ 40 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે. જેમાં મુખ્ય આરોપી હમઝા ખાન વિરુદ્ધ 18 જેટલા ગુના, શરીફખાન પઠાણ વિરૂદ્ધ 12 ગુના, બાલમખાન પઠાણ 9 ગુના, અજીમખાન પઠાણ વિરૂદ્ધ 8 ગુના, શેરબાઝખાન વિરૂદ્ધ 6 ગુના અને મઝહરખાન પઠાણ વિરૂદ્ધ 3 ગુના દાખલ થયા છે. હાલમાં પોલીસે આરોપી શરીફખાન પઠાણ અને શેરબાઝખાન ઉર્ફે ગુલબાઝખાન પઠાણની ધરપકડ કરી છે.
જમાલપુરના કેટલાક વિસ્તારમાં જો કોઇ બાંધકામ કરે તો આ ગેંગ દ્વારા તેની પાસે પૈસા પડાવવામાં આવતા હતા અને એવું કહેતા કે, વિસ્તારમાં હમઝા ટેક્ષ અને બાલમ ટેક્ષ વગર બાંધકામ ન કરી શકે. આવી રીતે આ ગેંગ સ્થાનિકો હેરાન કરતી હતી. ત્યારે આરોપી હમઝાખાનએ મ્યુ. કોર્પોરેશનની જગ્યા પર ગેરકાયદે 10 દુકાન અને એક બંગલો પણ બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સિવાય તેઓની અન્ય સંપતિને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે આ સમગ્ર ગુનાની તપાસ માટે ઉચ્ચ પોલીસ અધિકારીના આદેશ બાદ એસીપીની અધ્યક્ષતામાં એક એસઆઇટીની પણ રચના કરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Crime news, Gujarat News