પોલીસ કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓના નામ છે ઇસતીયાક સૈયદ અને અબ્દુલ રઉફ અબ્દુલગની સૈયદ. ઇસતીયાક ફતેહવાડીના ઝેનબ ડુપ્લેક્સમાં રહે છે. જ્યારે અબ્દુલ રઉફ જુહાપુરાના સંકલિત નગરમાં રહે છે. બંને આરોપીઓ ઇસતીયાકના ઘરે ભેગા થયા હતા. અહીં બને લોકો ઘર બંધ કરી એમડી ડ્રગ્સ કોને કેટલા રૂપિયામાં વેચવાનું છે તેનું પ્લાનિંગ કરી રહ્યા હતા. એ પહેલા જ વેજલપુર પોલીસની ટીમને બાતમી મળી અને પોલીસે બાતમી મળતા જ તાત્કાલિક ત્યાં પહોંચી રેડ કરી હતી.
રેડ કરતા જ બને આરોપીઓ પાસેથી પોલીસને 21 ગ્રામ એમડી ડ્રગ્સની પડીકીઓ મળી આવી હતી. બાદમાં ઘરમાં અંદર વધુ જથ્થા માટે તપાસ કરાતા પોલીસને એક ડબ્બામાંથી 7.59 લાખ રોકડા મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 10.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ પણ વાંચો: બુધવારે વિધાનસભાને ઘેરવા કર્મચારી મહામંડળ તૈયાર
બંને પકડાયેલ આરોપીઓને આ વિસ્તારના યુવાનોને ડ્રગના રવાડે ચઢાવવાનું મગજમાં ભૂત ધૂણતું હતું. કેટલાય સમયથી તેઓ એમડી ડ્રગ્સના ઓછા જથ્થા લાવી લોકોને છૂટકમાં આપી ચુક્યા છે. તેઓને ગ્રાહકો મળી રહેતા આરોપીઓ મોટા ડીલર બનવાના સપનાં જોતા હતા તે પહેલા જ ઝડપાઇ ગયા.આરોપીઓ પાસે મળેલી 7.59 લાખ રોકડ ડ્રગ્સની કમાણીની હોવાનું સામે આવ્યું છે. અગાઉ જે ડ્રગ્સ વેચ્યું તેનાથી તેઓએ આ રૂપિયા ભેગા કર્યા હતા. આ જ રૂપિયાથી વધુ ડ્રગ્સનો જથ્થો ખરીદવાના હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો: લો પ્રેશર ગુજરાતથી ફંટાયુ, રાજ્યમાં નવરાત્રીમાં વરસાદ નહીં બને વિલન!
અત્યાર સુધી એમડી ડ્રગ્સ માટે મુંબઈની લાઇન ચાલતી હતી. જ્યાંથી અગાઉ પકડાયેલ આરોપીઓ ડ્રગ્સ લાવ્યા હોવાનું ખુલ્યું હતું. પણ ગાંજા માટે પ્રખ્યાત રાજસ્થાનની લાઇન એમડી ડ્રગ્સના કેસમાં પણ ખુલવા પામી છે. આ પકડાયેલા આરોપીઓ રાજસ્થાનના બાંસવાડાના જમશેદ ઉર્ફે જાવેદ ઉર્ફે શેખવાલા પાસેથી આ એમડી ડ્રગ્સ લાવ્યા હોવાથી આ વોન્ટેડ આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વોન્ટેડ આરોપી પકડાયા બાદ પકડાયેલ આરોપીઓ અગાઉ કેટલી વાર તેની પાસેથી એમડી ડ્રગ્સ ખરીદી ચુક્યા છે તે વાતનો પર્દાફાશ થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર