નવરાત્રીના નવેય દિવસ માતાજીના 9 રૂપની આરાધના થાય છે અને મા દુર્ગાની પ્રતિમાની સ્થાપન કરવામાં આવે છે. આ સાથે નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના પણ કરાય છે. શાસ્ત્રોના જાણકારોનું કહેવું છે કે, આ દિવસોમાં માતા દુર્ગાની કૃપા તેમના ભક્તો પર ખૂબ જ રહે છે અને તેનાથી તેમના પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ સાથે જ ઘરના બરકત રહે છે, પરંતુ શાસ્ત્રોના જાણકારોનું એવું પણ કહેવું છે કે, અમુક વસ્તુઓ નવરાત્રીના નવ દિવસ દરમિયાન ન કરવી જોઈએ. આવું કરવાથી માતા ક્રોધિત થઈ શકે છે અને પરિવાર પર આફત આવી શકે છે.
ઘરને એકલું ન છોડો
નવરાત્રીના દિવસોમાં માતાની પૂજા કરવાની હોય છે. ઘરમાં કળશની સ્થાપના કરી હોય તો ઘરમાં કોઈને કોઇની હાજરી જરૂરી છે. ઘરમાં બધા જ સભ્યો ગેરહાજર હોય તો મુશ્કેલી સર્જાય છે. આ ઉપરાંત વ્રત રાખ્યું હોય તો દિવસ દરમિયાન સૂવાનું પણ ટાળવું જોઈએ.
દીકરીઓને ખુશ રાખો
હિંદુ ધર્મમાં કન્યાઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. જેથી નવરાત્રી દરમિયાન પુત્રીઓને ખુશ રાખવી જોઈએ. ભૂલેચૂકે પણ દીકરીઓને દુ:ખ આપશો નહીં. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, માતા દુર્ગા કોઈ પણ કન્યાના અપમાનથી ગુસ્સે થઈ જાય છે.
વિવાદોથી દૂર રહો
નવરાત્રિમાં મન સાફ રાખવું જોઈએ. આ દિવસોમાં લોકોને ભૂલ બદલ માફ કરી દેવા જોઈએ અને કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહેવું જોઈએ. શાસ્ત્રો મુજબ માતા લક્ષ્મી વાદ, વિવાદ અને ઝઘડો થતો હોય તેવા ઘરમાં નથી રહેતા. જેથી આ સમયગાળામાં ઝઘડો ન કરો.
લસણ, ડુંગળી અને માંસાહારી ભોજનથી દૂર રહો
નવરાત્રિના શુભ દિવસોમાં સાત્વિક ભોજન કરવું જોઈએ અને તમારા વર્તન અને વિચારમાં સાત્વિક્તાને લાવવી જોઈએ. નવરાત્રીમાં ડુંગળી, લસણ, માંસ અને આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ. આ સાથે જ નવરાત્રિના દરમિયાનમાં દાઢી, વાળ અને નખ પણ ન કાપવા જોઈએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Navratri 2022