ભુજ તેમજ કચ્છના બાળકો અને યુવાનોએ રમત ગમતમાં અનેક સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે એક અનોખી સિદ્ધિ કહી શકાય તેવી ભુજના 15 વર્ષીય અંકિત કુમારે મેળવી છે. હાલમાં જ ગત 11 તેમજ 12 સપ્ટેમ્બરે ઔરંગાબાદ ખાતે યોજાનારી એક આઈસ હોકી સ્પર્ધામાં બેન્ડી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્વીડન ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય આઇસ હોકી ટૂર્નામેન્ટ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત અને તમિલ નાડુ વચ્ચે યોજાયેલી આ પસંદગી મેચમાં પ્રત્યેક રાજ્યમાંથી એક ખેલાડીનું સિલેક્શન કરવાનું હતું. ગુજરાતની ટીમમાંથી ભુજની ચાણક્ય એકેડેમીમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા અંકિત કુમારની પસંદગી કરવામાં આવી હતી, જે થકી સમગ્ર ગુજરાતમાંથી માત્ર ભુજના અંકિતે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી મેળવી ભુજ તેમજ કચ્છને પ્રસિદ્ધિ અપાવી છે. અંકિત હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જે શાળા પરિવાર સાથે સાથે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે.
આ પણ વાંચો: કચ્છની કોમી એકતામાં સૌરાષ્ટ્રની મહેક; રાજકોટનો યુવાન માતાના મઢ પદયાત્રીઓની કરે છે માલિશ
શૈક્ષણિક ક્ષેત્ર સાથોસાથ અન્ય પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓના યશસ્વી દેખાવ પર શાળા પરિવારે હરખ વ્યક્ત કર્યો હતો. વાતચીત દરમિયાન અંકિતે જણાવ્યું હતું કે તે પોતાના પરિવાર સાથે પહેલા જમ્મુ રહેતો હતો અને ધોરણ પાંચમાં પહોંચ્યો ત્યારે પરિવાર ભુજ આવ્યો હતો. અહીં શાળામાં જ તેણે સ્કેટિંગ કરવાની શરૂઆત કરી હતી અને ફક્ત સ્કૂલમાં મળેલી ટ્રેનિંગના બળે તે આ સ્તરે પહોંચવામાં સફળ થયો છે.
પોતાની આ સિદ્ધિ માટે અંકિતે પોતાની શાળા અને ખાસ કરીને પોતાના કોચ દર્શન વાઘેલાનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે આવતા મહિને ઓક્ટોબરમાં અંકિત સ્વીડન ખાતે યોજાનારી આંતરાષ્ટ્રીય આઈસ હોકી ટુર્નામેન્ટમાં ભારત તરફથી રમશે. તો સાથે જ આ થકી 2026 ની ઓલિમ્પિક ગેમ્સમાં રમવા માટે પણ તેણે પોતાનો રસ્તો ઊભો કર્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Hockey