Biggest gram panchayat of Kutch nakhatrana gets nagarpalika status kdg dr – News18 Gujarati


Dhairya Gajara, Kutch: વર્ષો બાદ કચ્છના સૌથી મોટા ગામડાને નગરપાલિકાનો દરજ્જો મળ્યો. કચ્છના નખત્રાણાને રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાનો દરજ્જો અપાતા નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ આ ત્રણ ગામોનો નખત્રાણા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે. લાંબા સમયથી નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો અપાવવા માંગ થઈ રહી હતી. ગત ચૂંટણીમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પણ નખત્રાણાને નગરપાલિકા દરજ્જો અપાવવા બાબતને ચુંટણીનો મુદ્દો બનાવ્યો હતી ત્યારે વિધાનસભા ચુંટણી નજીક આવતા ગુજરાત સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છના છેવાડાના વિસ્તાર નખત્રાણાને નાગરિક સુખાકારીના સમ્મુચિત હક્કો આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદઅનુસાર, મુખ્યમંત્રીએ નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ ગામોનો સમાવિષ્ટ કરતી નખત્રાણા નગરપાલિકાની રચના કરવાની મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના છેવાડાના વિકસીત તાલુકા તરીકે નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના પાણી, વીજળી, ગટર વ્યવસ્થા, બસ સ્ટેશન, બાગ-બગીચા, ટાઉન હોલ તેમજ રસ્તા જેવી માળખાકીય પાયાની સુવિધા-સુખાકારી નાગરિકોને સરળતાએ ત્વરિત મળી રહે તેવા ઉદાત્ત ભાવ સાથે આ નિર્ણય કર્યો છે.

એટલું જ નહિ, નખત્રાણા તાલુકાની નજીકના વિસ્તારોમાં હાલ કાર્યરત ઉદ્યોગો તેમજ ભવિષ્યમાં આવનારા નવા ઉદ્યોગોના પરિણામે આ વિસ્તારમાં ઊભી થનારી નાગરિક સુવિધા સુખાકારીની જરૂરિયાતોને ધ્યાને રાખી નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતે નગરપાલિકાનો દરજ્જો મેળવવા સર્વાનુમતે કરેલા ઠરાવને તેમણે અનુમોદન આપ્યું છે.

મુખ્યમંત્રી સમક્ષ આ અંગેની જે દરખાસ્ત કરવામાં આવી હતી તે સંદર્ભમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પરામર્શમાં રહિને રાજ્ય સરકારે નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ નો સમાવેશ કરી નખત્રાણા નગરપાલિકાની રચના તા. 21 સપ્ટેમ્બર 2022 ના કરી છે.

નખત્રાણા નગરપાલિકાના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી નખત્રાણાની નિમણૂંક કરતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

તમારા શહેરમાંથી (કચ્છ - ભુજ)

First published:

Tags: Kutch, Kutch news, Kutch Samachar



Source link

Leave a Comment