Nidhi Dave, Vadodara: વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ છેલ્લા ચાર દિવસથી ચાલી રહ્યું છે. જેમાં અનેક સ્થળો પર અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને હેરિટેજ વોક, ચિત્ર પ્રદર્શન, ફોટો પ્રદર્શન અને હાઉસ મ્યુઝિયમ પણ શહેરીજનો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.
હેરિટેજ ફેસ્ટિવલમાં બરોડા હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને વડોદરા શહેરની ઐતિહાસિક ઈમારતોને કલાના માધ્યમથી પ્રદર્શિત કરી છે. બરોડા હાઈસ્કૂલ અલકાપુરીના ધોરણ 6, 7 અને 8 ના સવાર અને બપોરની બેચના 85 જેટલા વિદ્યાર્થીઓએ 100 થી વધુ પેઈન્ટિંગ્સ બનાવ્યા છે.જે શાળાના ઓડિટોરિયમના કોરિડોરમાં પ્રદર્શિત કરાયા છે. વિશેષતા એ છે કે, ચિત્ર પ્રદર્શનમાં શાળાના બાળકો એ જ ભાગ લીધો છે અને પ્રદર્શનનું પણ બાળકોએ આયોજન કર્યું છે.
બાળકોએ કલાના માધ્યમથી યોગદાન આપ્યું
આ અંગે શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, અમને ખૂબ જ આનંદ થાય છે કે,અમારી શાળાના વિદ્યાર્થીઓએ વડોદરાના 511માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પોતાનું કલાના માધ્યમથી યોગદાન આપ્યું છે. અમે અમારું સૌભાગ્ય છે કે, શહેરના હેરિટેજ ફેસ્ટિવલમાં અમને ભાગ લેવાની તક મળી. જેમાં વિદ્યાર્થીઓએ હેરિટેજ વીકની ઉજવણીને ન્યાય આપતાં માંડવી, રાવપુરા ટાવર, કિર્તિમંદિર, લક્ષ્મી વિલાસ પેલેસ, પ્રાતપનગરનો મકબરો સહિતની હેરિટેજ ઈમારતોનું ડિટેઈલીંગ વર્ક કરી ઐતિહાસિક વારસાની કલાત્મક ઝાંખી કરાવી છે.