જો કે હર્ષદ રિબડિયાએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહી દીધું કે ચૂંટણી ગુજરાતમાં છે અને રાહુલ ગાંધી ઉત્તર ભારતમાં આંટાફેરા મારે છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ પણ રીબડિયા પર આકરા પ્રહાર કરતા કહી દીધું કે રીબડિયાના જવાથી કોઈ અસર નહીં થાય. અને આગમી સમયમાં કેટલા જવાના છે તે પણ અમને ખબર છે.
સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ડખો વધી ગયો છે.કોંગ્રેસ સતત ભાંગી રહી છે.વિખેરાઈ રહી છે.રીબડિયાના રાજીનામાંથી કોંગ્રેસના નેતાઓ લાલધૂમ થયા છે.તો બીજી તરફ રિબડિયા આવતીકાલે ભાજપમાં ભળી જવાના છે. #Gujarat #Newsupdate #Congress #Gujaratelection pic.twitter.com/i8kI5izLXc
— News18Gujarati (@News18Guj) October 5, 2022
હર્ષદ રીબડિયાના રાજીનામા બાદ જૂનાગઢ જિલ્લા સંગઠનમાંથી પણ અનેક દિગ્ગજો સરકી રહ્યા છે. એટલે જ કોંગ્રેસ પાણી પહેલા પાળ બાંધી રહી છે. સાથે જ કોંગ્રેસ છોડનાર હર્ષદ રીબડિયા સામે જૂનાગઢ કોંગ્રેસમાં ઉગ્ર રોષ પણ જોવા મળ્યો છે. જિલ્લા કાર્યાલય પર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હર્ષદ રીબડિયાનું નામ લખાયેલું હતું તે કાઢી નાખી તેની જગ્યાએ ગદ્દાર હર્ષદ રીબડિયા લખી દેવાયું. કોંગ્રેસ કાર્યકરોએ આરોપ લગાવ્યો કે હર્ષદ રીબડિયાએ ભરોસો તોડ્યો છે. જો કે આ અંગે રીબડિયાનું કહેવું છે કે મેં ગદ્દારી નથી કરી.
આ પણ વાંચો- ખેડા પથ્થરમારા મામલે હર્ષ સંઘવીની આકરી ચેતવણી, કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે
આખરે અટકળોનો અંત આવ્યો અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયા ભાજપમાં જ જોડાશે એ નિશ્ચિત થયું. તેમની સાથે સંગઠનમાંથી પણ મોટી સંખ્યામાં હોદ્દેદારોએ બિનસત્તાવાર રીતે કોંગ્રેસ છોડી છે. જેની સત્તાવાર જાહેરાત થાય એ પહેલાં જ કોંગ્રેસે તાત્કાલિક બેઠક બોલાવી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નટુભાઈ પોકિયાના સ્થાને ભરત અમીપરાની નિમણૂક કરાઈ છે. જ્યારે ભેસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે વજુભાઈ મોવાલિયાની જગ્યાએ નીતિન રાણપરિયાની વરણી કરાઈ છે. રીબડિયાના સમર્થનમાં તાલુકા પંચાયતના સભ્ય, ભેસાણના ડેલિગેટ મનસુખ વઘાસિયા, રાજેશ ભુવા, જગદીશ રામાણી તથા ભેસાણ APMCના 3 ડિરેક્ટર પણ કોંગ્રેસ છોડી રહ્યાના અહેવાલ વહેતા થયા છે.
આ પણ વાંચો- રાજકોટમાં પરોઠા ઓછા પડતા પત્ની અને પાટલા સાસુને માર માર્યા બાદ પતિએ ખાધો ગળાફાંસો
તો બીજી તરફ રીબડિયાએ કોંગ્રેસ છોડી એ જ સાંજે પ્રતાપ દૂધાત ભાજપના નેતા પાસેથી સહકાર માગતા દેખાયા હતા. જેથી ફરી પક્ષપલટાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સાવરકુંડલાની બજારમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત નીકળે એ કોઈ નવાઈની વાત નથી. પરંતુ જ્યારે અમરેલી ભાજપના ઉપાધ્યક્ષ સાથે જોવા મળે તો ચર્ચા સ્વાભાવિક છે. કારણ કે મોસમ ચૂંટણીની છે અને હવા કોંગ્રેસમાંથી ભાજપ તરફથી છે. બરાબર એવા જ સમયે પ્રતાપ દૂધાત ભાજપના સુરેશ પાનસુરિયા સાથે ન માત્ર દેખાયા પરંતુ અપીલ કરી કે પાર્ટી ગમે તે હોય 5 વર્ષ આ વિસ્તાર માટે કામ કર્યું છે સહકાર આપજો.
ખડખડાટ હાસ્ય સાથે બંને નેતાઓ ઓતપ્રોત જોવા મળતાં અમરેલી પંથકમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. દૂધાત 2017માં સાવરકુંડલાથી ચૂંટાયા હતા. તેમના ભાજપમાં જોડાવાને લઈને પણ અગાઉ અટકળો થઈ હતી. જોકે, દૂધાત એ વાતને હંમેશા નકારતા રહ્યા છે. જો કે હજુ સુધી ગુજરાતની ચૂંટણી જાહેર થઈ નથી તેવામાં હજુ સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના કેટલા ધારાસભ્યોનો મોહ ભંગ થાય છે તેતો જોવું રહ્યું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly elections, Assembly elections 2022, Congress Gujarat