five people got life donation from the organ donation of a 27-year-old girl from Surat smt dr – News18 Gujarati


Mehali Tailor, Surat: ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. વલસાડ મુકામે રહેતી અને ધરમપુરમાં આવેલ મોર્ડન સરકારી શાળામાં પ્રવાસી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પલકને તા. 11 સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા અગિયાર કલાકે માથામાં દુઃખાવો અને ઉલ્ટીઓ થતા તેને તાત્કાલિક વલસાડમાં આવેલ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. નિદાન માટે સીટીસ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે પરિવારજનોએ તેને 12 સપ્ટેમ્બરના રોજ સુરતમાં આવેલ કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડાની સારવાર હેઠળ દાખલ કરી.

નિદાન માટે સીટીએન્જ્યો કરાવતા નાના મગજની નસ ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. તા. 13 સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરે કોઇલીંગ કરી લોહીનો પ્રવાહ બંધ કર્યો હતો.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી પલકના પતિ તેજસ અને માતા પન્નાબેન રાજેન્દ્રભાઈ રાઠોડ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ. પલકના પતિ તેજસે જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા ત્યારે મારી પત્ની પલક પણ કહેતી હતી કે આ એક ઈશ્વરીય કાર્ય છે, દરેક વ્યક્તિએ પોતાના બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવું જ જોઈએ જેથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળી શકે. મારી પત્ની પલક બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે તેના અંગોનું દાન કરાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો.

પલકના મમ્મી પન્નાબેન બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓએ પણ જણાવ્યું કે આ એક ઈશ્વરીય કાર્ય છે. અંગદાન જીવનદાન છે. પલકનો પતિ તેજસ સેલવાસમાં આવેલ ઇપ્કા લેબોરેટરીમા ફાર્માસ્યુટિકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. કિરણ હોસ્પીટલના ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે કિડનીનું દાન, લિવરનું દાન ડો. ધનેશ ધનાણી, ડો.ગૌરવ ચૌબલ અને તેમની ટીમે, ચક્ષુઓનું દાન ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 43 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 35 વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 65 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.

તમારા શહેરમાંથી (સુરત)

First published:

Tags: Organ donation, Surat health, Surat Latest News, Surat news



Source link

Leave a Comment