Help desk launched at Rajkot Civil Hospital, first in Gujarat, solution to patients problems in a pinch(RML) – News18 Gujarati


Mustufa Lakdawala, Rajkot : ગુજરાતમાં પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. જેમાં દર્દી કોઈ સમસ્યા અનુભવે તો તે હેલ્પ ડેસ્કની મદદ લઇ શકે છે. તેમજ હેલ્પ ડેસ્કના બે કર્મચારીઓ હોસ્પિટલમાં 24 કલાક ફરતા રહે છે અને કોઈ દર્દીને મુશ્કેલી પડી રહી છે તેવું અનુભવે તો તેની સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે છે. આ અંગે પીડીયુ મેડિકલ કોલેજના એડિશનલ પ્રોફેસર સાઇકીયાટ્રીક અને હેલ્પ ડેસ્કના નોડલ ઓફિસર ડો.મુકેશ પટેલે ખાસ વાતચીત કરી છે.

હોસ્પિટલના આ ચાર વિભાગમાં હેલ્પ ડેસ્ક શરું

ડો.મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરેક મોટી જગ્યાએ એટલા બધા લોકોનો ધસારો હોય છે અને બધા લોકો એટલી બધી મુશ્કેલી પણ અનુભવતા હોય છે. આ લોકોની મુશ્કેલી ઓછી થાય અને ખાસ કરીને સિનિયર સિટીઝન, અજાણ્યા લોકોને આ મુશ્કેલી ઓછી થાય તે હેતુથી રાજ્ય સરકારના નિર્દેશન હેઠળ એક હેલ્પ ડેસ્કનું આયોજન કર્યું છે. આ હેલ્પ ડેસ્ક પીડીયુ બિલ્ડીંગની એંદર OPD, PMSY, ટ્રોમા સેન્ટર અને ઈમરજન્સી વિભાગ આ ચારેય જગ્યાએ કાર્યરત કરવામાં આવ્યું છે.

મૂંઝાયેલા દર્દી પાસે હેલ્પ ડેસ્ક પહોંચી જાય છે

ડો.મુકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત હેલ્પ ડેસ્કના એકથી બે કર્મચારીઓ હોસ્પિટલની અંદર પણ સતત ફરીને જ્યાં પણ એવું લાગતું હોય કે દર્દી મુંઝાયેલો છે, કોઈ પરેશાન છે અથવા તો અજાણ્યો દર્દી કોઈ જગ્યાએ બિમારી અવસ્થામાં છે તેવી જાણ થતા જ તેને લઈ ઈમરજન્સી વિભાગમાં સારવારમા લઇ જવામાં મદદ કરે છે. જે દર્દીઓને મૂંઝવણ છે કે, કઈ પ્રક્રિયા માટે ક્યા જવું, કોને મળવું, કેટલો સમય લાગશે એમને મદદ કરવામાં આવે છે. ભવિષ્યમાં અમારો એવો પણ પ્લાન છે કે, કોઈ દર્દી કે સગાની વસ્તુ ખોવાય ગઈ હોય અને કોઈને વસ્તુ મળેલી હોય તેની ફરિયાદ પણ અહીંથી લઈ શકાય.

આ પણ વાંચો: NCCના 10 વિદ્યાર્થીઓએ દિલ્હીમાં વગાડ્યો ડંકો; PM મોદી સાથે પણ કરી ગુફતગુ

હેલ્પ ડેસ્કના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે

ડો.મુકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બીજી મહત્ત્વની કોશિશ એ પણ રહેશે કે, ક્યો દર્દી ક્યા દાખલ થયો છે તેની માહિતી પણ હેલ્પ ડેસ્કમાંથી મળી રહે તેવી વ્યવસ્થા કરી રહ્યા છે. આ આખેઆખી વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે છે. એમાં એવા પણ આયોજન છે કે, હેલ્પ ડેસ્કના કર્મચારીઓ સક્રિય હોય અને હોસ્પિટલમા ફરી લોકોની મદદ કરે. આ ઉપરાંત ક્યા ડોક્ટર કઈ જગ્યાએ છે, ક્યારે મળે છે, કઈ સારવાર ક્યા દિવસે ઉપલબ્ધ છે તેની ચોક્કસ માહિતી અત્યારે હેલ્પ ડેસ્કમાંથી મળી રહે છે. આ માટે હેલ્પ ડેસ્કના ફોન નંબર પણ અમે કાર્યરત કર્યા છે. આ નંબરથી જાહેર જનતા અથવા તો અંદરોઅંદર અમે લોકો પણ તેમને મદદ કરીએ છીએ.

કઈ રીતે વિચાર આવ્યો

ડો.મુકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ વિચાર દર્દીઓને થતી પરેશાનીને જોતા આવ્યો છે. જ્યારે દર્દીઓ પૂછતા હોય કે કઈ સેવા ક્યા છે તો તેને ચોક્કસપણે માહિતી ન મળી શકે. દરેક દર્દી બીજા દર્દીને ઘણીવખત પૂછતા હોય. પરંતુ બીજા દર્દી પણ આ બાબતે જાણતા હોતા નથી. બીજા દર્દી પણ એટલા જ હેરાન પરેશાન હોય છે, સાચી માહિતી ન મળવાને કારણે દર્દીઓને અલગ અલગ જગ્યાએ ધક્કા જ ખાવા પડે છે. આવું ન થાય તે માટે આવું કરવાની જરૂર પડી.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Rajkot Civil Hospital



Source link

Leave a Comment