Important Decision: Now in government hospitals patients will be treated by OPD till 8 hours in the evening


ગાંધીનગર: રાજય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે 8 કલાક સુધી દર્દીઓને ઓપીડી દ્વારા સારવાર અપાશે. રાજ્ય સરકાર હસ્તકની સંલઞ્ન હોસ્પિટલોમાં દાખલ દર્દીની સાથેના એક સગાને બે ટાઇમ પૌષ્ટિક ભોજન અપાશે. રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ વધુ સારી રીતે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે આઠ કલાક સુધી ઓપીડી દ્વારા સારવાર પૂરી પાડવાનો રાજય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં દાખલ દર્દીના એક સગાને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવશે.

મનોજ અગ્રવાલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની આરોગ્યસેવાઓને ગુણવત્તા યુક્ત બનાવવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને સુદ્રઢ કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સામાન્ય જન, શ્રમજીવી પરિવારોને આરોગ્ય લક્ષી સેવાઓ નિષ્ણાંત તજજ્ઞો દ્વારા સાંજના સમયે તેમજ રવિવારે પણ મળી રહે તે હેતુસર સાંજની ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો આ મહત્વનો નિર્ણય કર્યો છે. તેની સાથે સાથે લેબોરેટરી, એક્સ-રે તપાસ, ફાર્મસી,ફિઝિયો થેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહે તે માટે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો: ગીર સોમનાથ: ખેતરો બન્યા તળાવ, ખેડૂતોની દિવાળી સુધરવાની જગ્યાએ બગડશે!

ઉપરાંત સવારની ઓ.પી.ડી.નો સમયગાળો (સોમવાર થી રવિવાર) સવારે 9થી 1 કલાક અને સાંજની ઓ.પી.ડી.નો સમયગાળો (સોમવાર થી શનિવાર) સાંજે 4થી 8 કલાકનો રહેશે. તેમજ જાહેર રજાઓ દરમ્યાન હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવારની સેવાઓ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સુવિધાઓ પુરી પાડવા ઘણી બધી આરોગ્યલક્ષી સેવાઓમાં ઉતરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. જેને ધ્યાને લઇ જનસેવાના ધ્યેય સાથે રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે તબીબી સારવારની સુવિધાનો લાભ રાજ્યના નાગરિકોને આપવામાં આવે છે. પરંતુ જે કિસ્સાઓમાં ઉચ્ચ કક્ષાની સારવારની જરૂર હોય છે તેવા કિસ્સાઓ માં જિલ્લા કક્ષાની હોસ્પિટલો અથવા મહાનગર ખાતેની હોસ્પિટલો ખાતે દાખલ થવાની જરૂર પડતી હોય છે.

આવા સંજોગોમાં મોટા શહેરોમાં સામાજિક સગા સંબંધીઓના અભાવે ઘણીવાર દર્દી સાથે આવેલ સગાંને પૌષ્ટિક અને આરોગ્યલક્ષી તાજા ખોરાકની અસુવિધા અને નાણાકીય અગવડતાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્યની સબ ડીસ્ટ્રીકટ, ડીસ્ટ્રીકટ તેમજ મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે દાખલ દર્દી અને તેની સાથેના એક સગાને નિ:શુલ્ક બે ટાઈમ પૌષ્ટિક ભોજન મળી રહે તેવી સેવાકીય વ્યવસ્થા ઉભી કરાશે.

મનોજ અગ્રવાલે ઉમેર્યું કે, રાજ્યમાં 450 ઉપરાંત સી.એચ.સી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો અને મેડીકલ કોલેજ સંલઞ્ન હોસ્પિટલો કાર્યરત છે.જેમાં હાલની ઓ.પી.ડી માં દરરોજ 1.25 લાખથી 1.30 લાખ નાગરિકો ઓ.પી.ડીની સેવાઓનો લાભ લઈ રહ્યા છે.આ બે કલાકનો સમય વધારવાના લીધે દરરોજના 35થી 40 હજાર નાગરિકો વધુ લાભ લઈ શકશે. આ સમય વધારવાના લીધે નાના સ્વરોજગાર મેળવતા લોકો તથા નોકરિયાત લોકો પણ આ સેવાનો લાભ લઈ શકશે.

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Government Hospital, Gujarat News



Source link

Leave a Comment