જામનગર ખંભાળિયા બાયપાસથી કાલાવડ બાયપાસ તરફના રસ્તે આવેલા હાઇવે પરના સમરસ હોસ્ટેલ નજીક એક કાર ઊભેલી હતી, જે કાર અંગે ત્યાંથી નીકળેલા પદયાત્રીઓએ રવિવારે વહેલી સવારે જોતા જ તેમાં એક માનવ મૃતદેહ લોહીલુહાણ હાલતમાં અને તેના હાથમાં રિવોલ્વર હોવાનું નજરે પડ્યું હતું. જેથી આ અંગે તાત્કાલિક જ પોલીસને જાણ કરતાં જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ પણ વાંચો: જૂનાગઢ: ‘રસ્તે’ આવતી મહિલાને ઉડાવી દેવાઇ; સનસનીખેજ ખુલાસો અને આંખો પહોળી કરતો વીડિયો
જે કારની ઉપર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના પ્રેસિડેન્ટ એવું બોર્ડ પણ લગાવેલું હતું. જેથી પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ કરવા માટેનો પ્રયત્ન કરાયો હતો અને મૃતક 22 વર્ષીય જય પીઠાભાઈ ડેર હોવાનું જાણવા મળ્યું હતું. જય જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું હતું. જયના પિતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં આવેલા વિંજલપુર ગામના સરપંચ હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા પ્રાથમિક રીતે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું નાયબ જિલ્લા પોલીસ વડા કુણાલ દેસાઈએ જણાવ્યું હતું. પોલીસ દ્વારા હજુ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
રવિવારે જામનગરના હાઇવે પર સરપંચના પુત્ર જયે લમણે ગોળી જીકી મોટરકારની અંદર જ આપઘાત કર્યો હતો. ત્યાર બાદ હાલ તો પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે. પરંતુ હજી પણ પોલીસે તેના ફોન કોલ્સની ડિટેલ તેમજ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી આપઘાતનું મુખ્ય કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર