કચ્છ જિલ્લામાં રમત ગમતના ગ્રાઉન્ડ અછત છે. આટલા મોટા જિલ્લામાં ક્યાંય કોઈ પણ રમત માટે સારી કક્ષાનો ગ્રાઉન્ડ ન હોતાં સ્પોર્ટ્સમાં રસ ધરાવતા યુવાનો પાછળ રહી જાય છે. અભ્યાસ સાથે રમત ગમત પણ વિદ્યાર્થી જીવનમાં એક મહત્વનો ભાગ ભજવતું હોય છે ત્યારે કચ્છની એકમાત્ર યુનિવર્સિટી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનો અભાવ જોવા મળે છે.
જો કે, હવે ટૂંક સમયમાં યુનિવર્સિટીમાં આઠ નવા ગ્રાઉન્ડમાં નવ રમતો શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આમાં ખોખો, વોલીબોલ, હેન્ડબોલ, ટેનિસ, કબ્બડી, બાસ્કેટબોલ, ફૂટબોલ ઉપરાંત એક 400 મીટરનો રેસ ટ્રેક પણ બનાવવામાં આવશે. રૂ. 10 કરોડના ખર્ચે યુનિવર્સિટીની મુખ્ય પ્રશાસન બિલ્ડિંગ પાછળ આ આઠ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર તરફથી રૂ. 7 કરોડનો ફાળો આપવામાં આવશે તો યુનિવર્સિટીના ભાગે રૂ. 3 કરોડનો ખર્ચ આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના પ્લાનમાં ક્રિકેટ ન હોતાં આમાં ક્રિકેટ ગ્રાઉન્ડ નો સમાવેશ થયો નથી.
કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. જી.એમ. બુટાણીએ જણાવ્યું હતું કે, \”આ મેદાનોમાં માત્ર કચ્છ યુનિવર્સિટી અથવા તેની સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ નહીં પણ કોઈ પણ યુવાનો રમી શકશે. મેદાન બની ગયા પછી યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ્સ ટીચરની ભરતી કરીને સ્પોર્ટ્સ પ્રત્યે યુવાનોમાં રુચિ વધે એ માટેના પ્રયાસો કરવામાં આવશે.\”
ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં એક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું કામ પણ ચાલુ છે, જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી ગેમો સહિત ઇન્ડોર ગેમ્સ પણ શરૂ કરવામાં આવશે.
તમારા શહેરમાંથી (કચ્છ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર