Mumbai-Ahmedabad Highway: ભંગાર રોડના કારણે 24 કલાકમાં 6 લોકોના મોત, પોલીસે રોડ બનાવતી કંપની સામે ફરિયાદ નોંધી


મુંબઈ: પાલઘરના આમગાવમાંથી પસાર થતાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પરના પુલ નજીક 24 કલાકની અંદર રોડ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હોવાના મામલામાં પોલીસ એક્શનમાં આવી છે, પોલીસે આ અકસ્માતોને જોતા રોડ બનાવનારી આર કે. ઈન્ફ્રા પ્રાં. લિમિટેડ વિરુદ્ધ IPC 304 a, 279, 337,338, 427,34 mvact 184 અંતર્ગત ફરિયાદ નોંધી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર આમગામ નજીક સોમવારે રાતે ક્રેટા કાર અને આયસર ટેમ્પોની વચ્ચે થયેલા અકસ્માતમાં કુલદીપ મૌર્ય, શ્રીકૃષ્ણ મિશ્રા, વિરેનકુમાર મિશ્રા, દેશાઈનું મોત થઈ ગયું હતું. જ્યારે એક જણ ઈજાગ્રસ્ત થયો હતો.

મંગળવારે બરાબર આ જ જગ્યાએ દિવસના બે વાગ્યાની આસપાસ આર્ટિકા કાર અને આયસર ટેમ્પોના જોરદાર અકસ્માતમાં ધ્વનીત વિનોદચંદ્ર પટેલ અને હિતેન્દ્ર સિંહ હિમ્મત સિંહ રાઠો઼ડનુ મોત થઈ ગયું હતું. જ્યારે ભુવનેશ્વર મહિન્દ્ર જાધવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બંને દુર્ઘટના પાછળ બિસ્માર રસ્તો કારણભૂત બન્યો હતો. ત્યારે આવા સમયે તલાસરી પોલીસે રોડની દેખરેખ રાખતી અને જાળવણી કરતી કંપની આર કે જૈન ઈન્ફ્રાં લિમિટેડના અધિકારીઓ અને મેનેજમેન્ટ સાથે પોલીસ ફરિયાદ નોંધી છે.

100 કિમીનો રોડ જીવલણે સાબિત થયો

પોલીસના જણાવ્યા અનુસાર આ હાઈવે પર ઘોડબંદર અને પાલઘર જિલ્લાના દાપચારીની વચ્ચે 100 કિમીનો ભાગ જીવલેણ સાબિત થયો છે. આ વર્ષે આ રુટ પર 262 દુર્ઘટનાઓ થઈ છે. તેમાંથી 62 લોકોના મોત થયા છે. જ્યારે 192 લોકો ઘાયલ થયા છે. તેમાંથી મોટા ભાગના લોકો ફુલ સ્પિડના કારણે દુર્ઘટનાનો શિકાર બન્યા હોવાનું જાણવા મળ્યું છે. પણ રોડની ખસ્તા હાલત, જાળવણીનો અભાવ અને ડ્રાઈવરો માટે સાઈનબોર્ડની કમી પણ દુર્ઘટના માટે જવાબદાર હોવાનું કહેવાય છે.

ચિનચોટી નજીક 25 વ્યક્તિઓના મૃત્યુ થયા છે

મહારાષ્ટ્રની હાઈવે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચારોટી નજીક જ્યાં સાયરસ મિસ્ત્રીનો અકસ્માત 4 સપ્ટેમ્બરના રોજ થયો હતો, ત્યાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 25 જેટલા ગંભીર અકસ્માત થયા છે અને તેમાં 26 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ચિનચોટી નજીકથી પસાર થતા આ હાઈવે પર આ જ સમય દરમિયાન 25 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે 34 જેટલા ગંભીર અકસ્માત થયા છે. માનોર નજીક આ જ હાઈવે પર આ જ વર્ષમાં લગભગ 11 વ્યક્તિઓના મૃત્યુ થયું છે. જ્યારે 10 જેટલા અકસ્માત થયા છે. અકસ્માતની વાત કરીએ તો ચારોટી આ 500 મીટરના રોડનું બ્લેક સ્પોટ છે. મુંબઈ જવા માટે રોડ સુર્યા રિવર બ્રિજ પહેલા એક વળાંક લે છે. પછીથી આગળ જતા ત્રણ લેનની ટુ લેન થઈ જાય છે.

બિસ્માર રસ્તાઓ

જ્યારે દેશના બે મોટા શહેરો મુંબઈ અને અમદાવાદને જોડતા રોડની આવી હાલત હોય તો, દેશના બીજા વિસ્તારમાં રસ્તાની કેવી હાલત હશે, તેનો અંદાજ લગાવી શકાય. દેશની ઈકોનોમી માટે રસ્તાના મહત્વને એ વાત પરથી સમજી શકાય કે, દેશનો 2/3થી વધારે સામાન ટ્રાંસપોર્ટ રસ્તા પરથી થાય છે. પણ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા મુજબ ગત વર્ષે દેશમાં રોડ અકસ્માતમાં રેકોર્ડ 1.55 લાખથી વધારે લોકો માર્યા ગયા હતા. દરરોજ 426 એટલે કે, દર કલાકે 18 લોકોના મોત રોડ અકસ્માતમાં થાય છે.

વિશ્વનું બીજા નંબરનું સૌથુ મોટુ રોડ નેટવર્ક પણ…

નિશ્ચિતપણે ભારતે, દુનિયાનું સૌથી મોટુ રોડ નેટવર્ક બનાવી લીધું છે, પણ તેની જાળવણી પર ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. કંસ્ટ્રક્શનમાં ધાંધલી પર પણ સવાલો ઊભા થાય છે. ભારતે 58.9 લાખ કિમીનું રોડ નેટવર્ક ઊભું કર્યું છે. આ દુનિયામાં બીજી નંબરની સૌથી મોટી જાળ છે. પણ વાહિયાત નિર્માણ અને ખરાબ મેંટનેસના કારણે મોટા ભાગના રોડની હાલત ભંગાર છે. કોરોના મહામારીથી પહેલા દેશમાં ચાર મિનિટમાં એક ભયંકર રોડ અકસ્માત થતો હતો. ભારતમાં દુનિયાની ફક્ત ટકા ગાડીઓ છે. પણ રોડ અકસ્માતમાં દુનિયામાં થનારા કુલ મોતમાં 11 ટકા ભારતમાં થાય છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Mumbai highway, National Highway, Road Accidents



Source link

Leave a Comment