Navsari ST bus driver drink and drive accident


નવસારી: જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરથી નવસારી આવતી એસ.ટી. બસના ચાલકે દારૂ પીને બસ હાંકતા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. બીલીમોરાથી નવસારી આવતી વખતે બસ ચાલકે બે બાઈક અને ગાડીને પણ ટક્કર મારી હતી. જેના કારણે કાર આગથી ભભૂકી ઉઠી હતી. આ ગોઝારી ઘટના બાદ બસમાં મુસાફરી કરતા તમામ મુસાફરો બસમાંથી ઉતરી ડ્રાઇવરને પોલીસના હવાલે કર્યો છે. જોકે, આ આખી ઘટના બાદ પંથકમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

સમગ્ર મામલે બીલીમોરા એસટી ડેપો મેનેજર, નવસારી એસટી ડેપો મેનેજરને પણ જાણ કરવામાં આવી છે. મુસાફરોએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ આપવામાં આવી છે. ટાઉન પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

પાટણમાં પણ બની હતી આવી ઘટના

થોડા દિવસો પહેલા પણ આવી એક ઘટના સામે આવી હતી. જેમાં પાટણ શહેરમાં એસ.ટી. બસના ડ્રાઇવરે નશામાં ધૂત થઈને બસ ચલાવી હતી. મુસાફરો તરફથી ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાપર-અમદાવાદ-સુરત બસના ડ્રાઇવરે દારૂ પીને બસ ચલાવતા બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. ડ્રાઇવર જોખમી રીતે બસ હંકારતો હોવાનું માલુમ પડતા મુસાફરો હારજી બસ ડેપો ખાતે ઉતરી ગયા હતા. બીજી તરફ બસનો ડ્રાઇવર પણ ડેપો ખાતે બસ મૂકીને ચાલ્યો ગયો હતો. ડ્રાઇવર ચાલ્યો જતા મુસાફરો બેથી ત્રણ કલાક સુધી ડેપો ખાતે રઝળ્યા હતા. જે બાદમાં હારીજ ડેપો મેનેજરે અન્ય ડ્રાઇવરની વ્યવસ્થા કરીને મુસાફરોને રવાના કર્યાં હતા. દારૂ પીને બસ ચલાવી રહેલા ડ્રાઇવર સામે મુસાફરોએ રોષ ઠલવાયો હતો.

વડોદરાની ઘટના

વડોદરા શહેરમાં એ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પોલીસ જવાન દ્વારા ખાખીના રોફમાં ભાન ભૂલીને કંડક્ટરને લાફા મારી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એસટી ડેપોમાં બસ અંદર જતા સમયે વચ્ચે ઊભેલા LRD જવાનને બાજુ પર ઉભા રહેવાનું કહેતા જવાને પ્લેટફોર્મ પર જઇને કંડક્ટરને લાફા મારી દીધા હતા. આટલું જ નહીં તેનો શર્ટ પણ ફાડી નાંખ્યો હતો. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે LRD જવાન પણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હતો. ફરિયાદમાં જવાને દારૂ પીધેલો હોવાનું જણાવાયું છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: અકસ્માત, ગુજરાત, નવસારી



Source link

Leave a Comment