Paddy price falls down to as low as 150 in anand asc – News18 Gujarati


Salim Chauhan, Anand: ચરોતરમાં ચાલુ વર્ષે 2.30 લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર થયુ છે અને ઉતારો સારો છે. ત્યારે 10 દિવસમાં ડાંગરના ભાવમાં 100થી લઇને150 રૂપિયા સુધીનો ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ગત વર્ષે જુદી જુદી ડાંગરનો ભાવ પ્રતિ મણ 360 થી 550 રૂપિયા હતા. જયારે ચાલુ વર્ષે 330થી 410 રૂપિયા ભાવ છે.

ગત વર્ષ કરતાં ડાંગરના ઉત્પાદનમાં 30 ટકાનો વધારો થયો છે. જેની સામે બજારમાં માંગ ઘટી છે. ગત વર્ષની ઉનાળુ ડાંગરનો જથ્થો હજી ગોડાઉન પડેલો છે. નિકાસ માટે આયોજન ન હોવાથી ભરાવો થતાં વેપારીઓ સાથે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. માત્ર 24 કલાકમાં 25 ટકાનો ઘટાડો થયો હોવાનું તારાપુર એપીએમસીના સૂત્રોએ જણાવ્યું છે.

ચાલુ વર્ષે વીઘે 70 મણનો ઉતારો

ગત વર્ષે પૂર-વાવાઝોડાને કારણે ડાંગરના પાકને નુકસાન થયું હતું. જેના કારણે એક વીઘે 50 મણનો ઉતારો રહ્યો હતો.. તેની સામે ચાલુ વર્ષે 70 મણનો ઉતારો છે. ગત વર્ષ કરતાં 40 હજાર મેટ્રીક ટનનું ઉત્પાદન વધ્યું છે. ચરોતરમાં એક જાતની ડાંગરનુ વાવેતર થયુ હોવાથી વધુ ભાવે માલ લેવા કોઇ તૈયાર નથી.

ભાવ ઘટવાના મુખ્ય કારણો

ગત વર્ષે એક વીઘામાં 50 મણનો ઉતારો હતો, આ વર્ષે 70 મણનો ઉતારો થતાં બફર સ્ટોક.

હજી ગોડાઉનમાં ગત વર્ષનો માલ પડેલો છે, માગ ન હોવાથી નવી ખરીદી નિરસ બની.

ચરોતરમાં એક જાતની ડાંગરનું વધુ વાવેતર થયુ હોવાથી વધુ ભાવ મળી રહ્યો નથી.

ચૂંટણીના કારણે રોકડ રકમની હેરાફેરીમાં અસર

વેપારીઓ માલનો સ્ટોક વધુ હોવાનું કહી ઓછા ભાવે ડાંગર ખરીદી લે

ચાલુ વર્ષે ઉતારો સારો છે,ત્યારે વેપારીઓએ ભાવ ઘટાડી દીધા છે. વેપારીઓનું કહે છે કે, બજારમાં મંદી છે. માલનો સ્ટોક છે, તો બજારમાં જે ચોખા વેચાય છે, તેનો ભાવ કેમ ઘટતો નથી? વેપારીઓ ખેડૂતો પાસેથી નીચા ભાવે માલ ખરીદી લેતા હોવાથી ફટકો પડી રહ્યો છે. એપીએમસીમાં પણ ભાવ ઘટી રહ્યાં છે. > બળવંતસિંહ પરમાર, ખેડૂત, ગોલાણા

બજારમાં જૂનો સ્ટોક વધુ હોવાથી ભાવ ગગડ્યાં

બજારમાં મંદીનો માહોલ હોય અને જૂનો સ્ટોક પડ્યો છે. ઉપરથી માલની ઘરાકી નથી. તેમજ ડાંગરમાં ઉતારો સારો રહેતો હોવાથી ભાલ વિસ્તારના ખેડૂતો ગુજરાત 17, ગુજરાત 13, મોતી,સોનમ જેવી ડાંગર વાવતા નથી.અરવિંદ પટેલે જણાવ્યું હતું કે મોટાભાગના લોકો શ્રી રામ ડાંગર કરવાનું પસંદ કરે છે, જેના કારણે એક જ પ્રકારની ડાંગરનો જથ્થો બજારમાં ઠલવાઈ ગયો છે. પરિણામે ડાંગરના ભાવમાં છેલ્લા 3 દિવસમાં 70 થી100 રૂપિયા નીચે આવી ગયો છે.

ચૂંટણીમાં રોકડની હેરફેર બંધ થતાં ખરીદી પર અસર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ઠેરઠેર ચેક પોસ્ટ અને રોકડ રકમની હેરફેર પર પ્રતિબંધ હોય જેની સીધી અસર ડાંગરની ખરીદી ઉપર થઈ રહી છે.બીજી તરફ તમામ આંગડિયા પેઢીઓ 8 તારીખ સુધી બંધ છે અને રોકડ રકમની ભારે અછત સર્જાઇ છે.

ઉપર લેવલે સસ્તા ભાવે માંગતા હોવાથી અમે ખરીદી બંધ કરી

ખંભાત એપીએમસી ખાતે રોજ 600 ટેક્ટર હરરાજી માટે આવે છે.જેમાં 300 ટેક્ટરની રોજ હરરાજી થાય છે બજારમાં ભાવ ઊંચા છે, પરંતુ ઉપર લેવલે સસ્તા ભાવે માંગે છે, જેના કારણે વેપારીઓ દ્વારા ખરીદી ઓછી કરી દેવામાં આવી છે. બજારમાં માંગ હજુ જોઈએ એવી નીકળી નથી, જેને લઈ ભાવ તૂટી રહ્યા છે. > સંજયસિંહ રાઓલ, સેક્રેટરી, ખંભાત એપીએમસી

તમારા શહેરમાંથી (આણંદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Anand, Local 18, Market, Rice



Source link

Leave a Comment