psychiatrist advised on People make fun of kamo who became a celebrity in Rajkot rml – News18 Gujarati


Mustufa Lakdawala, Rajkot : સુરેન્દ્રનગરના કોઠારીયા ગામે રહેતો દિવ્યાંગ કમલેશ નરોત્તમભાઈ એટલે કમો. કિર્તીદાનના ડાયરમાં ફેમસ થયેલો કમો આજે ગુજરાત નહીં વિદેશમાં પણ સેલિબ્રિટી બની ગયો છે. કમાના પિતા નરોત્તમભાઈ ખેતીકામ કરે છે અને માતા પણ ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત પરિવારમાંથી આવતો કમો નાનપણથી જ દિવ્યાંગ છે. તે ગામની એક ગૌશાળામાં સમય પસાર કરે છે. પરંતુ હવે ફેમેસ થયા પછી કમાનો લોકો દ્વારા દુરૂપયોગ પણ થવા લાગ્યો છે. લોકો કમાને ધરાર પોતાના કાર્યક્રમમાં બોલાવી મજાક કરી રહ્યા છે. ત્યારે કમા વિશે મનોચિકિત્સકે આવા મનો દિવ્યાંગ બાળક સાથે કેવું વર્તન કરવું જોઈએ તે વિશે માહિતી આપી છે. બીજી તરફ આવા જ એક મનો દિવ્યાંગ બાળકના પિતાએ વ્યથા ઠાલવી છે.

પ્રતિષ્ઠાને કારણે કમો ઈર્ષ્યાનો ભોગ બને છે

PDU હોસ્પિટલમાં સાઇકાટ્રિક વિભાગના એડિશનલ પ્રોફેસર મુકેશ પટેલે જણાવ્યું હતું કે, કમા બાબતે મારું એવું ઓબ્ઝર્વેશન છે કે, કોઈ પણ દિવ્યાંગ, મનો દિવ્યાંગ બાળકને પોષણ, પ્રેમ મળવાનો અધિકાર છે. આ સમાજે આપવું જોઇએ અને સરકાર પણ તેના માટે પ્રયત્નશીલ છે. પરંતુ પ્રતિષ્ઠા આવા બાળકને મળે તો તેના માતા-પિતાએ આ અંગે સજાગ રહેવું જોઈએ. દરેક પ્રતિષ્ઠા સારા-નરસા પાસા સાથે જોડાયેલી હોય છે. પ્રતિષ્ઠા સાથે પૈસા અને જવાબદારી પણ મળે છે. પ્રતિષ્ઠાને કારણે ઘણી વખત ઈર્ષ્યાનો ભોગ પણ બનવું પડે છે.

સમાજે થોડુક સંવેદનશીલ રહેવું જોઈએ

મુકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે બીજા પણ શોષણ થતા હોય છે. આવા શોષણનો સામનો કરવો આવા દિવ્યાંગ બાળકો માટે શક્ય હોતું નથી. આવું ન થાય તેવું સમાજના દરેક લોકોએ સજાગ રહેવું જોઈએ. સ્ટેન્ડઅપ કોમેડિયન કે બીજા ઘણા કોમેડિયનના શો આપણે જોઈએ છીએ પરંતુ એ તેમની મરજીથી લોકોને હસાવે છે. જ્યારે કમો તેની મરજીથી લોકોને હસાવે છે તેવું નથી. લોકો કમાની મજબૂરી કે લાચારી જોઈને હસે છે. આમાં મને લાગે છે કે, સમાજે થોડુક સંવેદનશીલ રહેવું જોઈએ. આવા બાળકોની અને તેના માતા-પિતાની શું વ્યથા છે તે સમજવું જોઈએ. કોઈની વ્યથા પર હસવું એ આપણી ભારતની સંસ્કૃતિના લક્ષણો જણાતા નથી.

આ પણ વાંચો: ‘વીજળીનાં ચમકારે, મોતીળા પરવો..’ લુપ્ત થતી કલાને જીવંત કરવા આ સંસ્થા સ્પેશિયલ ચાઇલ્ડને બનાવે છે કલાનો સાધક!

લોકો વચ્ચે હસીને પાત્ર બને ત્યારે માતા-પિતા વ્યથિત થાય છે

દિવ્યાંગ બાળકના પિતા ભાસ્કરભાઈ પારેખે જણાવ્યું હતું કે, મારું બાળક પણ દિવ્યાંગ છે. તેને રાષ્ટ્રપિત એવોર્ડ અને ચારથી પાંચ વખત મુખ્યમંત્રી એવોર્ડ આ ઉપરાંત 50થી 60 એવોર્ડ મળેલા છે. પરંતુ દિવ્યાંગ બાળકની અમુક લિમીટ હોય છે. આવા બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. પરંતુ વ્યક્તિગત રીતે એ પ્રોત્સાહિત ન થઈ શકે. આવા બાળકને સમાજ જો સર્વિસ આપી, ધંધો આપી પ્રોત્સાહિત કરવા જોઈએ. પરંતુ હાલમાં જે દિવ્યાંગ બાળકનો વીડિયો વાઇરલ થયો છે તેનાથી તે અંગત રીતે કઈ નહીં કરી શકે. પરંતુ તેના માતા-પિતાને ઘણું દુખ થતું હોય છે. મનો દિવ્યાંગ બાળક કઈ સમજવાનો નથી, કમાભાઈ પણ મનો દિવ્યાંગ છે. સ્વાભાવિક છે કે આટલા બધા લોકો વચ્ચે જાય ત્યારે તે હસીને પાત્ર બને છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Child



Source link

Leave a Comment