નવરાત્રી શરૂ થાય એટલે મા આશાપુરાના ભક્તો માત્ર કચ્છ અને ગુજરાતમાંથી નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ પગપાળા ચાલીને કચ્છના છેવાડે લખપત ખાતે આવેલા માતાના મઢ મંદિરે દર્શન કરવા પહોંચે છે. તો આ પદયાત્રીઓની ભક્તિમાં સાથ સહકાર આપવા કચ્છ તેમજ અન્ય જિલ્લાઓમાં પણ માતાના મઢ જતા રસ્તે સેવા કેમ્પ યોજવામાં આવે છે. સેવાભાવી લોકો પોતપોતાની ક્ષમતા અને જરૂર મુજબ પદયાત્રીઓને પાણી, ચા, નાસ્તો, તેમજ આરામ કરવાની સુવિધા આપે છે.
લાંબુ અંતર કાપતા પદયાત્રીઓની સેવા માટે અનેક કેમ્પ ખાતે લોકો પદયાત્રીઓની માલિશ કરતા હોય છે. હાલમાં જ રાજકોટના એક મુસ્લિમ યુવાન પણ આ સેવાકાર્યમાં જોડાયા છે. રાજકોટમાં રહેતા એહસાન ચૌહાણ છેલ્લા 12 વર્ષથી વીરપુર, ચોટીલા અને અંબાજી જતા પદયાત્રીઓની માલીશ કરી તેમની સેવા કરે છે. બાળપણમાં પોતે મિત્રો સાથે ચાલીને ચોટીલા દર્શને જતા ત્યારે રસ્તામાં મળતી સેવા જોઈને એહસાનભાઈએ નક્કી કર્યું કે તેઓ પણ પદયાત્રીઓની સેવા કરશે.
છેલ્લા 12 વર્ષથી એહસાનભાઈ સ્વખર્ચે માલિશની દવા સામગ્રી લઈને ગુજરાતના વિવિધ મંદિરે જતા પદયાત્રીઓની જાતે માલિશ કરે છે. તો આ વર્ષે પ્રથમ વખત એહસાનભાઈ માતાના મઢ જતા પદયાત્રીઓની સેવામાં જોડાયા છે. રાજકોટના જ નારાયણ પરમાર છેલ્લા 15 વર્ષથી કચ્છના સામખિયાળી ટોલ નાકા પાસે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજે છે ત્યારે આ વર્ષે તેમણે એહસાનભાઈને આ સેવા કેમ્પમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું.
કચ્છની બહારથી આવતા પદયાત્રીઓનો ઘોડાપૂર છેલ્લા બે દિવસથી ચાલુ થઈ ગયું છે ત્યારે એહસાનભાઈ દિવસ રાત તેમની માલિશ કરી માનવ સેવા અને કોમી એકતાનો એક અનોખો ઉદાહરણ પૂરું પાડે છે.
તમારા શહેરમાંથી (કચ્છ - ભુજ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bhuj News, Kutch, Kutch news