જામનગરમાં 30થી 35 લોકોનાં એક ગ્રુપ દ્વારા રોડ ટૂ સ્કૂલ નામથી એક પહેલ શરુ કરવામાં આવી છે. આ ગ્રુપમાં કામ કરતા હરદીપસિંહ જાડેજાએ News 18 સાથે વાત કરતા જણાવ્યું કે ગરીબ પરિવારનાં બાળકો કે જેઓ પરિવારની ખરાબ પરિસ્થિતિને કારણે સ્કૂલ જઈ શકતા નથી. તેઓને શાળાએ જતા કરવા અને તેઓને પ્રાથમિક શિક્ષણ આપવા માટે અમે એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની ભાગોળે મહાનગરપાલિકા દ્વારા રેન બશેરા આવેલું છે. અહીં ભિક્ષુકવૃત્તિ સાથે જોડાયેલા પરિવારના લોકોના બાળકો અને રોડ પર વસાવાટ કરતા લોકોનાં બાળકોને એકત્રિત કરી રહ્યા છીએ અને આ બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતા શીખવી રહ્યા છે. આવા લોકોને રૂબરૂ મળીને તેઓનાં બાળકો સાથે વિવિધ એક્ટિવિટી કરી તેઓને પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ, ત્યારબાદ આ બાળકોનું સ્કૂલમાં એડમિશન કરાવી તેઓને તમામ પ્રકારની મદદ કરી રહ્યા છીએ.
હરદીપસિંહે વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં ભિક્ષુક વૃત્તિ કરતા લોકો પોતાના બાળકોને અમારી પાસે મોકલતા ન હતાં, પરંતુ અમે સતત પ્રયાસો ચાલુ રાખ્યા અને બાળકોને નાસ્તો, રમતો કરાવવાનું ચાલુ કર્યું, બાદમાં બાળકોને રસ પડતા શૈક્ષણિક કાર્ય શરુ કર્યું. પરિણામ સ્વરૂપે તેમાંથી 4 બાળકો સ્કૂલે જતા થયા છે. આ બાળકોનો સ્કૂલ ડ્રેસ, નાસ્તો, પુસ્તકો સહીતનો તમામ ખર્ચ અમે ઉપાડીએ છીએ. અને આગામી દિવસોમાં હજું 10થી વધુ બાળકો શાળાએ જતા થઇ જશે.
કેવી રીતે થઇ આ ગ્રુપની શરૂઆત?
કોરોનાકાળમાં આ ગ્રુપનાં યુવાનોએ અનેક લોકોને મેડિકલ સહીતની મદદ કરી હતી, ત્યારબાદ સ્વયં શક્તિ કોમ્યુનિટી સેન્ટર સંસ્થાની સ્થાપના કરવામાં આવી, આ સંસ્થા દ્વારા બાળકોમાં વ્યસન મુક્તિ, બાળકોને શિક્ષણ આપવું સહીતના કામ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી આ ગ્રુપમાં અંદાજે 200થી વધૂ સભ્યો જોડાયેલા છે. આ સંસ્થામાં વકીલ, ડોક્ટર, IT, એન્જીનીયર, શિક્ષક, વિદ્યાર્થીઓ જોડાયેલા છે. જામનગરમાં રોડ ટૂ સ્કૂલ પ્રોજેક્ટમાં 30થી 35 સભ્યો કામ કરી રહ્યા છે. શરૂઆતમાં સપ્તાહમાં શનિ-રવિવારે બાળકોને શિક્ષણ આપતાં હતાં, પરંતુ હવે આ માટે એક શિક્ષકની જ નિમણુંક કરી છે જેણે આ સંસ્થા તરફથી પગાર ચૂકવવામાં આવે છે.
તમારા શહેરમાંથી (જામનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Education News, Jamnagar News, Students, જામનગર સમાચાર